નવસારીઃ જિલ્લામાં અનરાધાર વરસાદ વચ્ચે ૨૨મી ઓગસ્ટે ને.હા. નં. ૪૮ પર આવેલા ભૂલા ફળિયા ગામે ગાડરિયા ફળિયા નજીક એક ૧૨ ફૂટ લાંબો મહાકાય અજગર મોરનો શિકાર કરતાં નજરે પડ્યો હતો. મોરને બચાવવાની જોકે ભારે કશ્મકશ અને કલાકોની રઝળપટ છતાં અજગર મોરને ગળી જતાં રાષ્ટ્રીય પક્ષીનું મૃત્યુ થયું હતું. નવસારી જિલ્લામાં સર્વત્ર ભારે વરસાદથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત છે તો બીજી તરફ વન્યજીવોને પણ પ્રભાવિત કરી દીધું છે.
નવસારી નજીક ભુલા ફળિયા ગામે ગાડરિયા ફળિયામાં ખેડૂત સુમનભાઈ પટેલના ખેતરમાં લીલો ઘાસચારો કાપવા ગયા હતા. દરમિયાન એક મહાકાય અજગર ચારો ચરી રહેલાં મોરનો શિકાર કરતાં મોરે ભારે ટહુકા કરી તરફડિયા મારવા લાગ્યા હતા. આ જોઈને ખેડૂતે ગ્રામજનોને જાણ કરી હતી અને ગ્રામજનોના ટોળેટોળાં ત્યાં ઉમટી પડ્યા હતા. મોરને બચાવવા ભારે જહેમત પણ ઉઠાવાઈ હતી. દરમિયાન આ અંગે નવસારી એનિમલ સેવિંગ ટીમને જાણ કરતાં તેઓ અજગરને પકડવા ભુલા ફળિયા ગામ પહોંચી ગયા હતા. પકડવા પ્રયાસ કરતા જ અજગરે શિકાર કરી ગળી ગયેલા મોરને મૃત હાલતમાં બહાર આવ્યો હતો.
આ ઘટનામાં અજગર પણ ઘવાયો હતો. એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા અજગર અને મોરનો કબજો લઈ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે મોર સાપનો શિકાર કરતો હોય છે, પરંતુ અહીં અજીબોગરીબ કહેવાય તેવી ઘટનામાં અજગરે મોરનો શિકાર કરતા શિકાર ખુદ યહાં શિકાર બન ગયાની ફિલ્મી પંક્તિઓ સાચી ઠરી હતી.