મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઈનું સુરતમાં અવસાન

Wednesday 09th November 2016 12:08 EST
 
 

સુરતઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૌત્ર ૮૬ વર્ષીય કનુભાઇ ગાંધીનું સોમવાર રાત્રે લાંબી સારવાર બાદ સુરતની હોસ્પિટલમાં નિધન થયું હતું. કનુભાઇને ૨૪મી ઓક્ટોબરના રોજ હાર્ટએટેક આવ્યો હતો અને તેઓ સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાર્ટએટેક બાદ તેમની તબિયતમાં સુધારો નહોતો થઇ રહ્યો અને કનુભાઈની સ્થિતિ ગંભીર રહી હતી. છેલ્લા ચાર મહિનાથી કનુભાઈ પોતાનાં પત્ની શિવાલક્ષ્મી સાથે સુરતના રાધાકૃષ્ણ મંદિરના સંત નિવાસમાં રહેતા હતા. કનુભાઇના નિધનના સમાચાર ફેલાતાં રાજકારણીઓ, અગ્રણીઓ અને ગાંધીવાદીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. કનુભાઇને કોઇ સંતાન નથી. તેમનું અવસાન થતાં તેમના પત્નીએ તેમને મુખાગ્નિ આપ્યો હતો. કનુભાઇના અસ્થિનું નાસિક અને ચાણોદમાં વિસર્જન થશે.

તબીબીઓ સોમવારે રાત્રે ૮.૧૫ કલાકે કનુભાઇને મૃત જાહેર કર્યા બાદ કનુભાઇની પત્નીને કનુભાઇની તબિયત ખૂબ કથળી હોવાનું જણાવી હોસ્પિટલ આવવાનું કહેવાયું હતું, પરંતુ તેમણે એમ કહીને ના કહી દીધી હતી કે મારાથી તેમને મરણપથારીએ જોઇ શકાશે નહીં એટલે હું નહીં આવું. ત્યાર પછી લગભગ દોઢ કલાક બાદ તેમને જાણ કરાઇ હતી.

જોકે કનુભાઇના નિધન અંગેની જાણકારી આપીને કનુભાઇના પત્ની શિવા ગાંધીને હોસ્પિટલ તો લઇ આવ્યા પણ ભાંગી પડેલા શિવા ગાંધીએ પતિના ચહેરાના અંતિમ દર્શન માટે ના કહી દીધી હતી. તેમણે કાયમી યાદ માટે જીવંત ચહેરો જ યાદ રહે એવી ભાવનાથી અંતિમ દર્શન કર્યાં નહીં.

મંગળવારે બપોરે ૧૨ વાગ્યે પીએન અરોરા હોસ્પિટલથી અંતિમયાત્રા નીકળી હતી. બપોરે ઉમરા સ્મશાનભૂમિમાં કનુભાઇના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર થયા હતા. અંતિમયાત્રામાં સરકારી પ્રતિનિધિ તરીકે નાનુભાઇ વાનાણી હાજર હતા. સાથે સુરતના રાજકારણીઓ, અગ્રણીઓ અને ગાંધીવાદીઓ પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે કનુભાઇએ તેમનાં છેલ્લા શ્વાસ સાબરમતી આશ્રમમાં લેવાની ઇચ્છા અગાઉ વ્યક્ત કરી હતી, પરંતુ તે શક્ય બન્યું નહીં.

સુરત પંજાબી સમાજના અગ્રણી કૈલાસભાઇ ચાબડાએ કહ્યું કે, છેલ્લે ૨૨મી ઓક્ટોબરે કનુભાઈ સાથે હળવી વાત થઇ હતી.

અમેરિકાથી પાછા આવ્યા બાદ તેઓ મુંબઈ અને દિલ્હીના વૃદ્ધાશ્રમોમાં રહ્યા અને છેલ્લા ઘણા મહિનાથી તેઓ સુરતમાં રહેતા હતા. કનુભાઈ મહાત્મા ગાંધીના ત્રીજા પુત્ર રામદાસના પુત્ર હતા. કનુભાઈ ગાંધી નાસામાં વૈજ્ઞાનિક રહી ચૂક્યા હતા અને તેમની પત્ની ત્યાં ડોક્ટર હતા. તેઓ ૨૦૧૪માં અમેરિકાથી સાબરમતી આવ્યા અને ત્યાર બાદથી વૃદ્ધાશ્રમોમાં રહેતા હતા.

કનુભાઇએ નાસામાં પણ પોતાની સેવા આપી હતી. તેમજ દેશના વિજ્ઞાન ક્ષેત્રે પણ નિષ્ણાતપદે સેવા આપી ચૂક્યા હતા. એમઆઇટીમાં કનુભાઇ ગાંધીએ શિક્ષણ મેળવ્યું હતું. કનુભાઈ સ્વભાવે સરળ અને સ્પષ્ટ વકતા હતા. ૮૭ વર્ષની વયે કાયમી વિદાય લેનાર કનુભાઇએ નાસામાં વિતાવેલા દિવસો તેમના જીવનના યાદગાર દિવસો હતા. બાપુ અને કસ્તુરબાના ખોળે ઉછરેલા કનુભાઇના જીવનની સ્થિતિ અંતે ખૂબ નાજુક બની હતી. તેમના પત્નીએ અને કનુભાઇએ દિલ્લીના વૃદ્ધાશ્રમમાં પણ પોતાના જીવનની બીજી અને અંતિમ ઇનિંગ જીવી હતી

ગાંધીજીની ટેકણલાકડી

ડિસેમ્બર ૧૯૩૭માં મહાત્મા ગાંધી મુંબઈમાં હતા. એ વખતે તેમના પરિવારના કેટલાક સભ્યો પણ ત્યાં હતા. જૂહુના દરિયાકાંઠે ચાલવા નીકળેલા ગાંધીજીની લાકડી એક બાળક ખેંચી રહ્યો છે. એ બાળક એટલે ગાંધીજીના ત્રીજા નંબરના દીકરા રામદાસના પુત્ર કનુ ગાંધી. માત્ર ૧૫ વર્ષની વયે જ કનુભાઈએ સવિનય કાનૂનભંગ બદલ જેલવાસ પણ ભોગવવો પડયો હતો. ગાંધીજી સાથે રહેતા હોવાથી આશ્રમમાં કનુભાઈનું નામ ગાંધીજીની ટેકણલાકડી પડી ગયું હતું. કોઈ વળી તેમને બાપુના હનુમાન પણ કહેતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter