સુરતઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી ગાંધી (ઉં ૯૪)નું ૭મી મેએ રાત્રે ૧૦-૧૫ કલાકે સુરતમાં હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમને ૮મી મેએ બપોરે ૧૧ઃ૦૦ કલાકે ઉમરા સ્થિત સ્મશાનગૃહમાં અગ્નિદાહ અપાયો હતો. તેમના નિધનથી ગાંધીવાદીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. છેલ્લા બે વર્ષથી ભીમરાડમાં રહેતાં ડો. શિવાલક્ષ્મી ગાંધી નિધનના ૭ દિવસ પૂર્વેથી હોસ્પિટલમાં દાખલ હતાં. ૪ વર્ષ પહેલાં ગાંધીજીનાં પૌત્ર અને ડો. શિવાલક્ષ્મીના પતિ કનુભાઈ ગાંધીએ પણ સુરતમાં જ અંતિમ શ્વાસ લીધાં હતાં.
નોંધનીય છે કે, ગાંધીબાપુના પરિવારનો સુરત અને ભીમરાડ ગામ સાથે અનોખો સંબંધ છે. ગાંધીબાપુએ દાંડીમાં મીઠાના સત્યાગ્રહ બાદ સુરતના ભીમરાડમાં પ્રથમ સભા સંબોધી હતી. આ જ સુરત- ભીમરાડમાં તેમનાં પૌત્ર કનુભાઈ અને પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી તેમનાં જીવનના અંતિમ પડાવમાં વસ્યા હતા. ડો. શિવાલક્ષ્મી છેલ્લા બે વર્ષથી ભીમરાડમાં રહેતાં હતાં. ભીમરાડ ગામે ગાંધી આશ્રમ, સ્મારક મૂર્તિમંત થાય, યુવાધનને અત્યાધુનિક સુવિધા-સંપન્ન આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ અને કેળવણી મળે એ હેતુથી ડો. શિવાલક્ષ્મી સતત કાર્યશીલ હતાં.
ભીમરાડ ગામ અને કોળી સમાજના અગ્રણી બળવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડો. શિવાલક્ષ્મીને નિધન પૂર્વેના ૭ દિવસથી પીપલોદમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. અઢી મહિના પહેલાં તેઓ ઘરમાં પડી ગયાં હતાં. તે સમયે થાપાના ભાગે વાગવાથી શરીર પણ કમજોર થઈ ગયું હતું. એ પછી તેમણે ખોરાક બંધ કરી દીધો હતો.
ડો. શિવાલક્ષ્મીના પતિ અને ગાંધીબાપુના પૌત્ર કનુભાઈ ગાંધીએ ૪ વર્ષ પહેલાં સુરતમાં અંતિમ શ્વાસ લીધા હતા. એ પછી ડો. શિવાલક્ષ્મી થોડો સમય માટે દિલ્હી રહ્યા હતા. જોકે એ પછી ડો. શિવાલક્ષ્મી ફરી સુરત પરત આવી ગયાં હતાં. ડો. શિવાલક્ષ્મી ઈંગ્લેન્ડમાં ઉછર્યાં હતાં. કનુભાઈ અમેરિકામાં અભ્યાસ બાદ નાસાના વૈજ્ઞાનિક બન્યા હતાં. ત્યાં જ ડો. શિવાલક્ષ્મી પણ પ્રોફેસર હતાં. ૨૦૧૪માં કનુભાઈ અને ડો.શિવાલક્ષ્મી અમેરિકાથી ભારત પરત ફર્યાં હતાં.