બારડોલીમાં સોમવારે ફિલ્મોમાં જોવા મળે તેવી મારામારી જોવા મળી હતી. બારડોલીમાં મહિલા બૂટલેગરે તેની બે પુત્રી અને પુત્ર સાથે મળી પોલીસ સાથે છુટાહાથની મારામારી કરતાં અન્ય લોકો માટે જાણે તમાશો બની ગયો હતો. આ પરિવારે પોલીસ કર્મીનો યુનિફોર્મ પણ ફાડી નાંખ્યો હતો. જ્યારે મહિલા પોલીસ કર્મચારીને વાળ પકડીને ખેંચી જઇ અભદ્ર વર્તન પણ કર્યું હતું. પોલીસ સાથે મારામારી કરી હોવા છતાં કેટલાક રાજકારણીઓ બૂટલેગરનો પક્ષ લઇ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.
મુંબઇમાં વેપારી રૂ. ૬૦ કરોડના હીરા સાથે ગાયબ, સુરતમાં ખળભળાટઃ મુંબઈસ્થિત બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં પોલિશ્ડ ડાયમંડનો વેપાર કરનાર મયુર નામનો વેપારી રૂ. ૬૦ કરોડના કિંમતના ઊંચ્ચ ક્વોલિટીના પોલિશ્ડ ડાયમંડ સાથે ગાયબ થતા લેણદારોને આંચકો લાગ્યો છે. ઉત્તર ગુજરાતના ધાનેરાનો વતની મયુર ગત સપ્તાહે તેની ઓફિસે નહીં આવતા મુંબઈના લેણદારોએ સુરતના હીરા વેપારીઓને તેના ગાયબ થયાની જાણ કરી હતી. મહિધરપુરા હીરા બજારના પાલનપુર, ડીસા, ધાનેરાના વેપારીઓ તેને પોલિશ્ડ ડાયમંડ વેચવા માટે આપતા હતા. તેને પગલે મહિધરપુરા હીરા બજારના આગેવાનોને મયુરની ગેરહાજરીની જાણકારી હતી.
સુરતમાં વધુ એક ફ્લાયઓવરનું લોકાર્પણઃ સુરત શહેરના અતિ વ્યસ્ત અને ગીચ ટ્રાફિકથી ઊભરાતા દિલ્હીગેટ જંકશન પર ફ્લાયઓવર પૈકીનો રિંગરોડથી અમિષા હોટલ સુધીનો એક ડાઉન રેમ્પનું સોમવારે મેયર નિરંજન ઝાંઝમેરા ઉપસ્થિતિમાં બાંધકામ સમિતિના ચેરમેન વિનુ મોરવડિયાએ લોકાર્પણ કર્યું હતું. સુરત મહાનગરપાલિકાએ રૂ. ૨૭.૯૭ કરોડના ખર્ચે ચાર વર્ષમાં તૈયાર કરેલા ડાઉન રેમ્પને પગલે અંદાજે ૪ લાખ નાગરિકોને સીધો લાભ થશે. આ સાથે લોકોનો સમય તથા ઇંધણની પણ બચત થશે. દિલ્હી ગેટ ફ્લાયઓવરથી રિંગરોડથી સીધા મહિધપુરા, વરાછા કામરેજ તથા નેશનલ હાઇવે નં. ૮ તરફ સીધી કનેક્ટિવિટી આ ડાઉન રેમ્પથી મળશે.