રાજપીપળા: ચૈત્ર માસના પ્રારંભે મા નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ નદીની પૂજા સાથે થયો છે. આ પરિક્રમા ૨૧ દિવસ સુધી ચાલશે. નર્મદાની નિયમિત પરિક્રમા જેટલું જ મહત્ત્વ પંચકોશી પરિક્રમાનું હોવા છતાં પરિક્રમા પથ સહિતની સુવિધાઓ નહિ હોવાથી શ્રદ્ધાળુઓને હાલાકી વેઠવી પડતી હોય છે.
ઉત્તર દિશા તરફ વહેતી મા નર્મદાનું અનેરું મહાત્મ્ય છે. નર્મદા નદીના દર્શનથી પાપ નાશ થઈ જાય છે ત્યારે નર્મદા નદીની પરિક્રમાનું પણ વિશેષ મહત્ત્વ છે. પંચકોશી પરિક્રમાનો પ્રારંભ રામપુરામાં કીડીમકોડી ઘાટેથી થાય છે. ભક્તિભાવથી લોકો આ પરિક્રમા કરે છે. મુશ્કેલીઓ વેઠીને પણ દર વર્ષે લોકો આ પરિક્રમા કરી પુણ્યનો લાભ મેળવતા હોય છે. ચૈત્ર માસમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી આ ૨૧ દિવસ દરમિયાન દોઢ લાખ જેટલા પરિક્રમાર્થીઓ આવે છે. વહેલી સવારે ૪ વાગ્યાથી પરિક્રમા શરૂ થાય છે.