સુરત: વેસુની શોભન રેસિડેન્સીમાં ૧૨મી જુલાઈએ રાત્રે કોલેજિયન યુવતી પ્રિયલ પટેલે માતા પિતાની નજર સામે પોતાના છઠ્ઠા માળે આવેલા ઘરની ગેલેરીમાંથી ગાદલાં અને તકિયો નીચે ફેંક્યાં પછી પોતે છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો. મૂળ ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વરના નિશિત પટેલ હજીરા રોડની ઓનએનજીસી કંપનીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ઈજનેર તરીકે નોકરી કરે છે અને પરિવાર સાથે શોભન રેસીડેન્સીમાં રહે છે. બે પુત્રીમાંથી એક પ્રિયલ અઠવાલાઈન્સની એસપીબી કોલેજમાં ભણતી હતી.
પ્રિયલનું પોસ્ટમોર્ટમ
પ્રિયલનું નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. પોસ્ટમોર્ટમમાં પ્રિયલના બંને બાવડા ઉપર ઝપાઝપી થઈ હોવાના નિશાન મળ્યા છે. ડોક્ટરના જણાવ્યા મુજબ ઈજાના જે નિશાન છે તે આપઘાતના ૩૦ કલાક પૂર્વેના છે. જેથી એવી કોઈક તો ઘટના બની હતી જેણે પ્રિયલને આપઘાત કરવા મજબૂર કરી હતી. પોલીસ હાલમાં તે દિશામાં તપાસ કરી રહી છે.
પોલીસની મૂંઝવણઃ પ્રિયલે ગાદલાં અને તકિયો નીચે કેમ નાંખ્યા?
પ્રિયલે ઘરની બહારથી આવી રૂમમાં જઈ માતા-પિતાની હાજરીમાં ગાદલાં-તકિયો છઠ્ઠા માળની ગેલેરીમાં નીચે ફેંક્યા હતા અને પછી પોતે છલાંગ લગાવી હતી. છલાંગ લગાવતાં પૂર્વે ગાદલાં અને તકિયો કેમ નીચે નાંખ્યો તે બાબત પોલીસ અને સ્થાનિક રહીશોને મૂંઝવી રહી છે.
પાડોશીઓના કહેવા મુજબ તે રાત્રે બહારથી ઘરે આવેલી પ્રિયલનું વર્તન પણ કંઈક અજુગતું હતું. તેણે માતા પિતાની નજર સામે જ ગાદલાં-તકિયો નીચે નાંખ્યા હતા જેથી કોઈને ડરાવવા માટે કે પછી ગુસ્સામાં આવીને તેણે આવું કૃત્ય કર્યું હોઈ શકે. આ બાબત પોલીસને પણ મૂંઝવી રહી છે. જોકે પ્રિયલ કાગળમાં દિનચર્યા લખતી હતી તેના પરથી પોલીસ કોઈ તાગ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.
પ્રિયલ ટેબલ ટેનિસ ચેમ્પિયન હતી
પ્રિયલ અભ્યાસની સાથે સાથે ઈત્તર પ્રવૃત્તિમાં પણ ભાગ લેતી હતી. ખાવાની શોખીન પ્રિયલ ટેબલ ટેનિસની સારી ખેલાડી હતી. તે વર્ષ ૨૦૧૫-૧૬માં વીર નર્મદ દક્ષિણ ગુજ. યુનિ.માં ઈન્ટર કોલેજ ટેબલ ટેનિસ ચેમ્પિયન રહી ચૂકી હતી.