માછીવાડમાં દરિયાના પાણી ઘૂસી ગયાં

Wednesday 13th July 2016 09:14 EDT
 

નવસારી જિલ્લામાં આવેલા જલાલપોર તાલુકાના મરોલી વિસ્તારમાં મરોલીથી ૨૫ કિલોમીટરના અંતરે દરિયાકિનારે આવેલી દીવાદાંડી-માછીવાડમાં દરિયાઈ ભરતીનું પાણી પ્રોટેકશન વોલ ઓળંગી ગામમાં રહેણાક વિસ્તારમાં ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરિયાઈ ધોવાણથી સુરક્ષા આપવા સરકારે ગામમાં દરિયાકિનારે રૂ. ૨૦ કરોડના ખર્ચે ૧૭૦૦ મીટર લાંબી પ્રોટેકશન વોલ મોટા પથ્થરોથી બનાવી છે. પ્રોટેકશન વોલ બનાવ્યા બાદ ગ્રામજનોએ પણ નિરાંતનો શ્વાસ લીધો હતો, પરંતુ દરિયાઈ મોટી ભરતીના કારણે પ્રોટેકશન વોલ ઉપરથી દરિયાનું પાણી ગામની પ્રાથમિક શાળા સુધીની જગ્યાએથી રહેણાક વિસ્તારમાં ઘૂસી જઈને લોકોના આંગણામાંથી વહી રહ્યું હતું. જોકે પાણીથી કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું.
• ડેક્કન સર્વિસમાંથી રૂ. ૨૯ કરોડની સર્વિસ ટેક્સની ચોરી પકડાઈઃ સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ સર્વિસ ટેક્સ વિભાગે નવમી જુલાઈએ હજીરા વિસ્તારની ડેક્કન ઈક્વિપમેન્ટ એન્ડ સર્વિસ પ્રા. લિ.ને સકંજમાં લઈ રૂ. ૨૯ કરોડની ટેક્સ ચોરી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ની શરૂઆત બાદ સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ વિભાગના સર્વિસ ટેક્સ વિભાગે બિલ્ડરો અને અન્ય ઉદ્યોગકારોને સકંજામાં લીધા બાદ નવમીએ હજીરા વિસ્તારના ઔદ્યોગિક એકમો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
• ૩૮ યાત્રાળુઓની બસ વરસાદમાં ફસાઈ, પણ તમામને બચાવાયાઃ સુરતથી ચારધામની યાત્રાએ ગયેલા પ્રવાસીઓની બસ તાજેતરમાં પરત ફરતી હતી. તે વખતે મધ્ય પ્રદેશમાં છત્તરપુર જિલ્લામાં મંગળવારિયા ગામમાં વરસાદને કારણે બસ નાળામાં ફસાઈ જતાં તમામના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જોકે, ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મુખ્ય પ્રધાનને જાણ કરતાં અને મુખ્ય પ્રધાને મધ્ય પ્રદેશની સરકારને જાણ કરી અને ૩૮ યાત્રાળુઓથી ભરેલી બસને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. સુરતથી ૪ જૂનથી ૩૮ યાત્રાળુઓ ભરેલી લક્ઝરી બસ ૩૫ દિવસના ચારધામના પ્રવાસે રવાના થઈ હતી.
• ટેક્સટાઇલ માર્કેટોને જોડવા માટે દેશમાં પ્રથમ સ્કાય વોકવેઃ સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં રોજ બે લાખ કરતાં લોકોની અવર જવર રહેતી હોય છે. તેને કારણે રસ્તા પર વાહનોની સાથે સાથે લોકોની પણ અવર જવર વધુ હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. તેના નિરાકરણ માટે ટેક્સટાઇલ માર્કેટને ઉપરના ભાગે જોડવા માટે સ્કાય વોક વે બનાવવામાં આવશે. આ માટે કન્સલટન્ટને કામગીરી સોંપી પણ દેવામાં આવી છે.
• ‘ભાજપમાં સાચું બોલવું એ ગુનો છે’ નરેન્દ્ર મોદીએ કેબિનેટનું વિસ્તરણ કરી ગુજરાતના ત્રણ સાંસદોને નવી ટીમમાં સ્થાન આપ્યું જયારે આદિવાસી નેતા અને પ્રધાન મનસુખ વસાવાને પ્રધાનમંડળમાં રૂખસત આપી દીધી હતી. પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ મનસુખ વસાવાએ હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે, મને પ્રધાનમંડળમાંથી કેમ હાંકી કઢાયો તે મને સમજાતું નથી. તેમણે આનંદીબેન પટેલ પર નિશાન તાકતા કહ્યું કે, ગુજરાતમાં લોકોના પ્રાણપ્રશ્નો ઉકેલાતા નથી જેથી મે વારંવાર મુખ્ય પ્રધાનનું ધ્યાન દોર્યું હતું, પરિણામે સરકારે જ મારી વિરુદ્ધ ભાજપ હાઇકમાન્ડ અને નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી. ભાજપમાં સાચું બોલવું એ ગુનો થઈ ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter