નવસારીઃ જિલ્લાનું દાંડી ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને કારણે વિશ્વભરમાં જાણીતું છે. દર વર્ષે દેશવિદેશ તથા સ્થાનિક પ્રવાસીઓ દાંડીની મુલાકાતે આવે છે. જોકે, ગાંધીના ચાહકો અહીં આવીને નિરાશ થાય છે.
દાંડીના પ્રોજેકટ પાછળ રૂ. ૨૦.૪૩ કરોડનો માતબર ખર્ચ કર્યા પછી પણ આખો પ્રોજેકટ અધૂરો રહ્યો છે, ત્યારે કંમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા રાજય સરકારના પ્રવાસન વિભાગની ટીકા થઇ છે. આખો પ્રોજેકટ વર્ષ ૨૦૧૧માં પૂણ કરવાનો હતો.
દાંડીને જ નહીં, આખી દાંડી કૂચના મહત્ત્વના સ્થળોને વિકસાવવાની જરૂર છે. દાંડીમાં તો એક સ્મારક સિવાય બીજી કોઇ સુવિધા નથી. મમતા મંદિરવાળા મહેશભાઇ કોઠારીએ તો વિસ્તૃત વિકાસની રૂપરેખા ઘડી હતી. દાંડીમાં ગાંધી વિચારનો અભ્યાસ કરનારને તમામ સુવિધા મળે, સાથે રહેવાની પણ સુવિધા મળે એવો તેમનો વિચાર હતો, પરંતુ એ વિચાર સાકાર ન થઇ શક્યો, એને બદલે કેન્દ્ર સરકારે ૨૦૦૮માં દાંડી હરિટેજ કોરિડોર પ્રોજેકટને મંજૂરી આપી હતી. આ પ્રોજેકટને બે ભાગમાં વહેંચાયો હતો. દાંડી હેરીટેજ કોરિડોર પ્રોજેકટ અને દાંડી ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ પ્રોજેકટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. જે અંતર્ગત અમદાવાદથી દાંડી સુધીના દાંડી કૂચ માર્ગમાં આવતાં ૨૧ સ્થળોને આવરી લેવાયા હતા. આ પ્રોજેકટના અમલની કામગીરી ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતને સોંપાઇ હતી. વર્ષ ૨૦૧૦માં તેને વર્ક ઓર્ડર અપાયો હતો. દાંડી કૂચ માર્ગના ૧૫ સ્થળોએ ઓફિસ, સુવેનિયર વેચતી દુકાનો, લાયબ્રેરી, રેસ્ટોરાં અને મ્યુઝીયમ બનાવવાના હતા. નવેમ્બર ૨૦૧૧ સુધીમાં આ કામ કોન્ટ્રાકટરે રૂ. ૧૧.૮૪ કરોડના ખર્ચે પૂર્ણ કરવાના હતા. પરંતુ કેગ દ્વારા આ કામની તપાસ થતાં તેને આ કામગીરી ઉપયોગમાં લેવાય નહીં એવી લાગી હતી. આજની સ્થિતિમાં પણ આ બાંધકામો અધૂરા છે. અહીંની તમામ ઇમારતોમાં પાણી કે વીજ જોડાણ નથી. કેગના રીપોર્ટમાં નોંધાયું છે કે, જો આ પ્રોજેકટનો અમલ બરાબર થયો હોત તો એ લોકો માટે પ્રવાસનનું આકર્ષણ બન્યો હોત, પણ એમ બની શક્યું નથી, તેથી એની પાછળ ખર્ચાયેલા રૂપિયા પાણીમાં ગયા છે.