સુરત: ડાયમંડ એસોસિયેશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા માત્ર ૧૧ દિવસના શિશુને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે. બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન પણ અપાઈ રહ્યું છે. હોસ્પિટલ નોન-કોવિડ હોવા છતાં બાળકના કિસ્સામાં ખાસ વ્યવસ્થા કરાઈ છે.
બાળરોગનિષ્ણાંત ડો. અલ્પેશ સિંઘવીએ જણાવ્યું હતું કે શિશુની માતાએ કોવિડનાં લક્ષણો છુપાવ્યાં હતાં, જેને કારણે બાળકને ચેપ લાગ્યો અને ગંભીર પરિસ્થિતિમાં મુકાયું હતું. ડિલિવરી દરમિયાન તમામ રિપોર્ટ્સ નોર્મલ હતા, પણ ડિલિવરીના 5 દિવસ બાદ શિશુનો એક્સ-રે લેવાતાં ડોક્ટરોને શંકા ગઈ હતી. એ પછી શિશુ અને માતાનો કોવિડ ટેસ્ટ કરવામાં આવતાં બન્ને પોઝિટિવ આવ્યાં હતાં. ડોક્ટર સિંઘવીએ જણાવ્યું હતું કે સગર્ભા બહેનોએ ડિલિવરી વખતે શરદી, ઉધરસ કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફ હોય તો એને છુપાવ્યા વગર તાત્કાલિક સારવાર અને રિપોર્ટ કરાવવા ખૂબ જ જરૂરી છે, જેથી આવનારા બાળક પર તેની કોઈ ગંભીર અસર પડે નહી.