સુરતઃ હીરાનગરીના નવનિયુક્ત મહિલા મેયર હેમાલીબેન બોઘાવાલાનો કોરોના ટેસ્ટ ગયા શનિવારે પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટના બે દિવસ પૂર્વે જ તેમણે સુરત શહેરમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ નહીં વસૂલવાની જાહેરાત કરીને વિવાદો મધપૂડો છંછેડ્યો હતો. હવે જ્યારે મેયર ખુદ કોરોના પોઝિટિવ જાહેર થયા છે ત્યારે એ વાત સાબિત થઇ છે કે, માસ્ક પહેરવા બાબતે બેદરકારી રાખવી કોરોનાને નોતરી શકે છે.
હેમાલી બોધાવાલાને કોરોનાના લક્ષણો જણાતાં તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જોકે તે નેગેટિવ આવતા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. બોઘાવાલ ઉપરાંત સુરત ભાજપના બીજા ચાર કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા હોવાના અહેવાલ છે.
નોંધનીય છે કે હેમાલી બોઘાવાલા મેયર પદે નિયુક્ત થયાં છે ત્યારથી જ વિવાદોમાં રહ્યાં છે. પહેલા દિવસથી જ તેમણે કોરોનાની ગાઇડલાઇન્સનો ભંગ કર્યો હતો. માસ્ક નહીં પહેરી અને ટોળાં ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો. તેમને આ બેદરકારી ભારે પડી ગયાનું સ્પષ્ટ જણાય છે.