વલસાડઃ કેનેડાના ઓન્ટીયોમાં સ્થાયી થયેલા મૂળ વલસાડની યુવતીએ ૧૫ ઓગસ્ટે ત્યાં યોજાયેલી મિસ ઇન્ડિયા કેનેડા સ્પર્ધામાં ‘પીપલ ચોઇસ’ એવોર્ડ જીતીને વલસાડનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટા હતી. કેનેડામાં સ્થાયી થયેલી ભારતીય મૂળની યુવતીઓ માટે દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન થાય છે. આ વર્ષે ભારતના સ્વાતંત્ર્ય પર્વે યોજાયેલા મિસ ઇન્ડિયા કેનેડા-૨૦૧૫ સ્પર્ધામાં અંતિમ ૧૬ સ્પર્ધકોમાં મેઘા અમૃતભાઇ પટેલેને એર કેનેડા પીપલ ચોઇસ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. મૂળ વલસાડના છરવાડા ગામના કોળી પટેલ મિકેનિકલ એન્જિનિયર અમૃતભાઇ અને પલ્લવીબેન પટેલ વર્ષો પહેલા વલસાડના હાલરરોડ સ્થિત સંગીતા એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં હતાં. મેઘા પટેલે વલસાડની સેન્ટ જોસેફ ઇ.ટી. હાઇસ્કૂલમાં ધો.૮ સુધી અભ્યાસ કર્યા પછી વર્ષ ૨૦૦૪માં આખો પરિવાર ટોરેન્ટોમાં સ્થાયી થયો હતો. મેઘાએ કેનેડામાં બેચલર ઓફ હેલ્થ સ્ટડીઝનો અભ્યાસ કર્યો છે. મેઘાને ઇનામ સ્વરૂપે એર કેનેડા તરફથી ભારત આવવા વિમાનની બે ટિકિટ મળી છે.