સુરતઃ નવી મુંબઈમાં આવેલા વાશીમાં રહેતા અને લેસની દુકાન ધરાવતા રાજુભાઈ સોલંકીની પત્ની સુશીલાબહેનને આઠ મહિનાનો ગર્ભ હતો. તેમને કમળો થયો હતો. મુંબઈમાં તેમણે ખાનગી ક્લિનિકમાં સારવાર લીધી, પણ સુશીલાબહેનની તબિયતમાં ખાસ કોઈ ફરક પડતો ન હોવાથી દંપતીએ રાજસ્થાનમાં આવેલા વતન પાલી જવાનું નક્કી કર્યું. દંપતી બાન્દ્રા ટર્મિનસથી સૂર્યનગરી એક્સપ્રેસમાં પાલી જઈ રહ્યું હતું. ટ્રેન સુરતના ઉધના તરફ આવી રહી હતી ત્યારે સુશીલાને બાથરૂમ લાગતાં તે પતિ રાજુ સાથે બાથરૂમમાં ગઈ હતી. ત્યાં અચાનક જ તેના ગર્ભાશયમાંથી નવજાત બાળકી બહાર આવી ગઈ હતી. બાળકી ટ્રેનમાં નીચે પડે એ પહેલાં જ રાજુભાઈએ સાવચેતી રાખીને બાળકીને બંને હાથમાં ઝીલી લીધી હતી.
એ પછી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર આવતાંની સાથે રાજુએ સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. સ્ટેશન માસ્ટર અને સી. એમ. ખટીક અને ડેપ્યુટી સ્ટેશન માસ્ટર શિવચરણ ગુપ્તા તરત જ સુશીલાના કોચ સુધી દોડી આવ્યા હતા. રેલવેના સ્ટાફે તુરંત જ રેલવેની હોસ્પિટલમાં જાણ કરતાં ડોક્ટર પણ તુરંત જ દોડી આવ્યા હતા.
મેડિકલ સ્ટાફે પણ સ્ટેશન પર પ્રાથમિક સારવાર કરીને ગર્ભવતીને વધુ સારવાર માટે ૧૦૮ સેવા મારફતે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં માતા અને નવજાત બાળકીની તુરંત જ સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.