સુરતઃ ‘ડાયમંડ સિટી’ સુરતના જયરાજનગર વિસ્તારમાં રહેતા અને જન્મથી જ બે હાથ નહીં ધરાવતા ૩૨ વર્ષના મનોજ ભિંગારે નામના યુવકે હાથ નહીં હોવાની લાચારીને જરા પણ ગણકાર્યા વિના મોઢામાં બ્રશ રાખીને બનાવેલા નરેન્દ્ર મોદી અને તેમનાં માતુશ્રી હીરાબાના પેઇન્ટિંગને જોઈને નરેન્દ્ર મોદી ખુશ થઈ ગયા છે. વડા પ્રધાન આ મનોજની ચિત્રકળાથી એટલા પ્રભાવિત થયા છે કે આ પેઈન્ટિંગને તેમણે પોતાના બેડરૂમમાં રાખવાનું નક્કી કર્યું છે.
શરીર ભલે અક્ષમ હોય, પરંતુ હૈયે હામ હોય તો વ્યક્તિને કોઇ અડચણ - અવરોધ નડતા નથી તે મનોજે પુરવાર કર્યું છે. લગભગ વીસેક દિવસની મહેનત પછી તૈયાર થયેલા આ પેઇન્ટિંગ માટે મનોજે કોઈની પણ હેલ્પ લીધી નહોતી. ડ્રોઇંગથી માંડીને કલર અને શેડ્સ બધું તેણે એકલાએ જ તૈયાર કર્યું હતું. તૈયાર થયેલું આ પેઇન્ટિંગ દક્ષિણ ગુજરાતના ભાજપના સંસદસભ્યોએ જોયું અને આ પછી તેમણે મનોજ આ પેઇન્ટિંગ મોદીને ગિફ્ટ આપી શકે એ માટે વડા પ્રધાનની એપોઇન્ટમેન્ટ પણ લીધી. મનોજે નવ જાન્યુઆરીએ નવી દિલ્હી જઇને નરેન્દ્ર મોદીને આ પેઇન્ટિંગ ગિફ્ટ કર્યું અને પછી બે દિવસ દિલ્હીમાં ફરીને તે પાછો સુરત પહોંચી ગયો છે.
નરેન્દ્ર મોદીને આ પેઇન્ટિંગ એટલું ગમ્યું હતું કે તેમણે આ પેઇન્ટિંગ પોતાના બેડરૂમમાં રાખવાનું નક્કી કર્યું હતું. સવારે ઊઠતાંવેંત તેમને માતુશ્રી સાથેનું આ પેઇન્ટિંગ દેખાય એ રીતે પોતાના બેડની બરાબર સામે રાખવાનું પણ ત્યાં હાજર રહેલા વડા પ્રધાનના બંગલોના અધિકારીઓને સૌની હાજરીમાં જ સુચના આપી દીધી હતી.