સુરત: અમેરિકામાં સ્થાયી થયેલો સુરતનો થોટ્ટાપિલ્લી પરિવાર ૬ઠ્ઠી એપ્રિલે કેલિફોર્નિયાના પોર્ટલેન્ડથી લોસ એન્જેલસ ફરવા ગયો હતો. યુએસમાં યુનિયન બેંકમાં કામ કરતા સંદીપ થોટ્ટાપિલ્લી (૪૨), તેમનાં પત્ની સૌમ્યા (૩૮) અને તેમનાં બે સંતાનો સિદ્ધાંત(૧૨) અને સાંચી (૯) મરૂન કલરની કારમાં જંગલમાં ફરવા ગયા હતા. તેમની કાર ભારે વરસાદને કારણે નદીમાં ગરકાવ થઇ જવાના સમાચાર હતા અને આ વિસ્તારમાં ભારે વરસાદ હોવાથી પરિવારનો કોઈ પત્તો મળ્યો નહોતો.
૧૩મી એપ્રિલે વરસાદ બંધ થયા બાદ વરસાદી પાણી ઓસરતાં મેનડોસીનોની પોલીસને અમેરિકાના નોર્થ કેલિફોર્નિયાના જંગલોમાંથી પરિવારની કેટલીક ચીજવસ્તુઓ તેમજ કારના બોનેટના તૂટેલાં ટુકડાં પણ મળ્યાં હતાં. એ પછી નદીમાંથી સૌમ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. સુરતમાં વસતા પરિજનોએ કહ્યું હતું કે, ૧૩મી એપ્રિલે દીકરી સાંચીના કપડાં અને કારના ટુકડા મળ્યા હોવાની અમેરિકન પોલીસે તેમને સુરતમાં જાણ કરી હતી.
જો કે, એ પછી ૧૫મી એપ્રિલે પોલીસે કહ્યું હતું કે, તેમને કાર મળી આવી છે જેમાંથી પિતા પુત્રના મૃતદેહ મળ્યાં છે અને દીકરીનો મૃતદેહ અન્ય જગ્યાએથી મળી આવ્યો હતો.