યુવાનનું હૃદય, લીવર ઊંધી બાજુ!

Thursday 18th June 2015 06:10 EDT
 

સુરતઃ પલસાણા ખાતે રહેતા ઉત્તરપ્રદેશના વતની યુવાનની શરીરની રચના ૧૦ લાખ વ્યક્તિએ એક વ્યક્તિની હોય તેવી વિચિત્ર હતી. હૃદય ડાબીને બદલે જમણી બાજુ હતું. લિવર પણ જમણી બાજુને બદલે ડાબી બાજુ હતું અને બરોળ પણ ડાબી બાજુને બદલ જમણી બાજુ હતું.

યુવાનની આ વિચિત્ર શરીર રચના અંગે તેના પરિજનોને સર્પદંશથી તેનું મૃત્યુ થતાં પોસ્ટમોર્ટમ થયું ત્યારે તબીબે જાણ કરતાં તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરપ્રદેશના વતની અને પલસાણા ચાર રસ્તા સંતોષ હોટેલ પાસે રહેતા ૨૦ વર્ષીય વિનય રવિન્દ્રકુમાર મિશ્રાને ઘરમાં જ સાપે દંશ દેતાં તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વિનયનું સારવાર દરમિયાન મોત થતાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.

પોસ્ટમોર્ટમ માટે ગયેલા ડો. શર્માએ શરીર ચીરી જોયું તો તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. મૃતક વિનયનું હૃદય ડાબી બાજુને બદલે જમણી બાજુ હતું. એટલું જ નહીં, લિવર અને બરોળ જમણી બાજુએ હતા. અંદાજે ૧૦ લાખ લોકોમાં એક વ્યક્તિ આવી વિચિત્ર શરીર રચના સાથે જીવતો હોય છે. ડેક્સ્ટ્રોકાર્ડીયા તરીકે જાણીતી આ સ્થિતિ અંગે ડો. શર્માએ વિનયના પરિવારજનોને જાણ કરતાં તેઓ પણ આ વિચિત્રતાથી અજાણ હતા.

સુરતના ચક્કીવાલા બ્રધર્સનું હવાલા કૌભાંડઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટના અધિકારીઓએ સુરતમાં કરોડો રૂપિયાનું હવાલા કૌભાંડ પકડ્યું છે. જેમાં ચક્કીવાલા બ્રધર્સની ઓફિસમાં દરોડા પાડીને મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. ત્રણ ઓફિસોમાં દરોડા પાડતા હવાલા ઓપરેટરો ભાગી ગયા છે. પ્રાથમિક તપાસમાં રૂ.૧૦૦ કરોડથી વધુની રકમ હવાલાથી દુબઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter