સુરતઃ ખટોદરામાં થયેલી બે ચોરી અને ઉધનામાં થયેલી એક ચોરીના કેસમાં પોલીસ મૂળ ઉત્તર પ્રદેશના અને પાંડેસરામાં રહેતા ત્રણ ભાઈઓ રામગોપાલ બિસમ્બર પાંડે, ઓમપ્રકાશ અને જયપ્રકાશને ૩૧મી મેએ પૂછપરછ માટે ખટોદરા પોલીસ મથકે લાવી હતી. અહીં માહિતી કઢાવવાના બહાને ત્રણેયને ઢોર માર મારતાં ઓમપ્રકાશને વધુ ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. દરમિયાન આ અંગેની પોલીસ કમિશનરને ફરિયાદ થતાં તપાસ શરૂ કરાઈ હતી અને રામગોપાલની આઠ પોલીસકર્મીઓ સામે ફરિયાદના આધારે કાર્યવાહી થતાં આઠેય ફરાર થઈ ગયા.
બીજી તરફ ઓમપ્રકાશે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધાં હતાં. મૃત ઓમપ્રકાશનો પરિવાર મંગળવારે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. મૃતદેહ લેવા આવેલા ઓમપ્રકાશના ભાઈ વિશાલ પાંડેએ કહ્યું કે, સુરતમાં જ ઓમપ્રકાશના અંતિમ સંસ્કાર કરીશું. તેના બે વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. તેની પત્ની ગર્ભવતી છે અને તેને નવમો મહિનો ચાલે છે. હત્યારાઓને એક પરિવાર તોડી નાંખવા માટે સજા થવી જ જોઈએ.
આ કેસમાં ખટોદરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર મોહનલાલ ખિલેરી, પોલીસ સબઈન્સ્પેક્ટર ચિરાગ ચૌધરી, કોન્સ્ટેબલ કલ્પેશ ગરંભા, આશિષ દિહોરા, હરેશ ચૌધરી, પરેશ ભુકણ, કનકસિંહ જેઠુ દિયોલ, દિલુભાઈ આ આઠ ફરાર પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધીને લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે.