ધરમપુરઃ અષાઢી એકાદશીના દિને ધરમપુરમાં વિમળેશ્વર મંદિરમાં ઊભા ઊભા ૨૪ કલાક ભજન ગાવાની પ્રથા ૧૫૫ વર્ષ બાદ પણ જીવંત છે.
ચાદ્ર સેન્ય કાયસ્થ (સીકેપી) સમાજનાં ભક્તગણો આ દિવસે દૂર દૂરથી ધરમપુર આવે છે. વૃદ્ધો-મહિલાઓ સૌ સવારનાં ૫ વાગ્યાથી આરતી કરીને વિવિધ પ્રકારનાં વિઠ્ઠલ ભગવાનનાં ભજનો, પંઢરપુરી ભજનો, મરાઠી અને ગુજરાતી ભાષામાં લલકારતા સમગ્ર પ્રભુ ફળિયાથી લઈને ધરમપુરમાં તેમનો સ્વર ગૂંજે છે. આ જગાએ આશરે ૨૫૦થી ૩૦૦ ભક્તો વારાફરતી ઊભા ભજનો કરવાનો લહાવો લે છે. માત્ર ઢોલક અને મંજિરાના સથવારે ગવાતા આ તમામ પ્રકારના ભજનો ઝીલતા ઝીલતાં સૌ ભક્તગણો પણ ભક્તિરસમાં તરબોળ થઈ જાય છે.
પૌરાણિક ગાથા પ્રમાણે ધરમપુરમાં જ એક ભક્ત બાપુજી બજાબા કર્ણિકને આ જ મંદિરમાં જ્યાં હાલ શિવલિંગની સ્થાપના કરાઈ છે ત્યાં સ્વયં વિઠોબાજીના સાક્ષાત દર્શન થયા હોવાની લોકવાયકા છે.
ધરમપુરનાં સમાજના અગ્રણી સ્વપ્નીલ મોહિલે કહે છે કે, મુંબઈ શિવસેનાનાં બાળાસાહેબ ઠાકરે પણ અમારા સમાજનાં જ ગણાય. આ ઉપરાંત મોહિલે, કર્ણિક, ચૌબલ, વૈદ્ય, લિખિતે, ફણસે, ભગવતે, દળવી, દેસાઈ જેવી અટક ધરાવતાં સમાજનાં અગ્રણીઓ આજે નોકરી-ધંધા અર્થે ધરમપુર છોડીને વિવિધ શહેરોમાં સ્થાયી થયા છે, પરંતુ આ અષાઢી એકાદશીએ તમામ નોકરી ધંધા છોડી ધરમપુર આવી પહોંચે છે અને કાર્તિકી એકાદશી એટલે કે, દેવ ઊઠી અગિયારસનાં દિવસે પણ આવી જ રીતે ૨૪ કલાક ઊભા-ઊભા ભજનો કરે છે જે પ્રથાને સમાજ દ્વારા અકબંધ રખાઈ છે.
૭ દિવસની ભજનગાથા
સીપીકે સમાજના લોકો રાજા રજવાડા વખતે ખૂબ જ માન-પાન ધરાવતા હતા. રાજાના આગ્રહથી પ્રભુ ફળિયાનો વિસ્તાર એ સમાજનો ગઢ હતો. એક હાથમાં શાસ્ત્રીય ચોપડા અને બીજા હાથમાં તલવાર એ આ સમાજની ઓળખ હતી. રાજાઓની ‘ગુડ બુક્સ’માં સ્થાન પામનારા આ સમાજનાં તમામ સભ્યો હાલ પણ ધરમપુરમાં ઉંચેરો મોભો ધરાવે છે.
મોહિલે કહે છે કે, મેં સાંભળેલી વાતો મુજબ ઊભા ભજનની પ્રથા ૧૯૬૧થી શરૂ થઈ ત્યારે ભજનગાથા ૭ દિવસ સુધી અવિરત ચાલતી હતી, પણ સમાજના લોકોના વિવિધ અર્થે સ્થળાંતર પછી હવે ૨૪ કલાકની ભજનગાથા થાય છે.