સુરતઃ રશિયાના પ્રવાસે પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની હાજરીમાં ફરી ભારતની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને રશિયન ડાયમંડ માઈનિંગ કંપની અલરોઝા વચ્ચે કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડનો સીધો વેપાર વધારવા મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન કરાર થયા હતા. અગાઉ ડિસેમ્બર ૨૦૧૪માં નવી દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સમાં મોદી અને પુતિનની હાજરીમાં ભારતની ૧૨ ડાયમંડ કંપનીઓએ વર્ષે ૧ બિલિયન ડોલરની રફ ખરીદવા અલરોઝા સાથે કરાર કર્યા હતા. જોકે, મુંબઈના ભારત ડાયમંડ બ્રુસમાં આવેલા સ્પેશ્યલ નોટિફાઈડ ઝોનમાં ટેક્સના કારણોસર રફ ડાયમંડનું સીધું વેચાણ કરી શકાયું ન હતું. તેના બદલે અલરોઝાએ રફ ડાયમંડના લોટનું ઈન્ડિયન ડાયમંડ ટ્રેઈનિંગ સેન્ટરમાં માત્ર પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનના આધારે અલરોઝાએ ભારતની બહાર રફ ડાયમંડના સોદા કર્યા હતા. બે દેશો વચ્ચે થયેલા કરારો પ્રમાણે ભારત રશિયામાં કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ નેટવર્ક ઊભું કરશે. ઉલ્લેખનીય છે કે રશિયન માઈનિંગ કંપની સીધા રફની સપ્લાય કરશે. જીજેઈપીસીએ રશિયન ડાયમંડ માઈનિંગ કંપની રફ ડાયમંડનું સીધું વેચાણ કરી શકે તે માટે આઈડીટીસીની બહાર ડાયમંડ બુર્સમાં ઓફિસ આપવાની ઓફર કરી છે.