સુરતઃ દેશની સરહદ પર તો ખબર હોય કે કોણ દોસ્ત છે અને કોણ દુશ્મન પણ રાજકારણમાં બિલકુલ ખબર ન પડે કે તમારો દોસ્ત કોણ છે અને તમારો દુશ્મન કોણ છે. આ શબ્દો સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન અને ભારતીય સેનાના વડા વી.કે. સિંહે ધી સધર્ન ગુજરાત ચેમ્બરમાં ઉદ્યોગકારો સાથેની વાતમાં કહ્યા હતા. તેમણે પઠાણકોટ એરબેઝ પર થયેલા ત્રાસવાદી હુમલાની તપાસ માટે આવેલી પાકિસ્તાનની ટીમ મુદ્દે થઇ રહેલા વિપક્ષના વિરોધને ખોટો ગણાવ્યો હતો.
ભારતીય સેનાના પૂર્વ વડા વી. કે. સિંહ ૩૧મી માર્ચે સુરતમાં રાજસ્થાની સમાજના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. તેમણે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગકારો સાથે ગોષ્ઠિ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશની સુરક્ષાના મામલે સરકાર એકદમ ગંભીર છે અને પાકિસ્તાનની ટીમની મુલાકાતને યોગ્ય ગણાવી તેમણે કહ્યું કે, તેનો ખોટો વિરોધ થાય છે. છત્તીસગઢમાં થઇ રહેલા નકસલી હુમલાની તેમણે નિંદા કરી હતી.
જે.એન.યુ. મામલે વી.કે. સિંહે કહ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓને રાજકીય અખાડો ન બનાવવો જોઇએ. તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે, કનૈયો ૨૮ વર્ષનો હોવા છતાં હજુ સ્ટુડન્ડની નેતાગીરી કરી રહ્યો છે હું હોત તો કયારનો નોકરીએ લાગી ગયો હોત. વધુમાં તેમણે વિજય માલ્યા અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.