સુરત: સુરતમાં શહીદોના માનમાં જાણીતા કથાકાર મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથા મારફતે શહીદોના પરિવારોને આર્થિંક મદદ પૂરી પાડવા રૂ. ૧૦૦ કરોડનું ફંડ ભેગું કરાશે. કથાના મુખ્ય આયોજક અને સુરતના બિલ્ડર નાનુભાઇ સાવલિયાએ જણાવ્યું છે કે, બીજી ડિસેમ્બરથી બાપુની રામકથાનો પ્રારંભ થશે. પાટીદાર સમાજના અગ્રણી કાનજીભાઇ ભાલાળાએ સોમવારે મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે, સુરતમાં શહીદોના પરિવાર માટે આર્થિક સહાય પૂરી પાડવાનું કામ ‘જય જવાન નાગરિક સમિતિ’ કરે છે, પરંતુ તે માત્ર ગુજરાતના શહીદો પૂરતી સીમિત છે. હવે દેશના કોઇ પણ ખૂણે રહેતા સૈન્યના જવાન શહીદ થાય તો તેમના પરિવારને આર્થિક મદદ પૂરી પાડવા માટે સુરતમાં ‘મારુતિ વીર જવાન ટ્રસ્ટ’ની રચના કરાઈ છે. કથાકાર મોરારી બાપુને જયારે આ ઉમદા હેતુની વાત કરી ત્યારે તેમણે તરત જ ડિસેમ્બરમાં કથા કરવાની સંમિતિ આપી હતી.