અમદાવાદઃ મહાત્મા ગાંધી ઐતિહાસિક દાંડી યાત્રા પૂર્ણ કરી પાંચમી એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડીના જે મકાન ‘સૈફીવિલા’માં રોકાયા હતા તે રાષ્ટ્રીય સ્મારકની હાલત આજે બિસ્માર છે. વિલાની દીવાલો પરથી પોપડા ઉખડી ગયા છે. સ્મારકમાં ગાંધીજી સાથે સંકળાયેલી તસવીરોની ફ્રેમ પણ તૂટી ગઈ છે. તસવીરોનું યોગ્ય લેમિનેશન કરી ગોઠવવાની તસદી પણ લેવાઈ નથી. જવાહરલાલ નેહરુએ દાંડી સ્થિત સૈફીવિલાને સ્મારક તરીકે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સ્મારકની સારસંભાળ જવાબદારી ગુજરાત સરકારને સોંપાઈ હતી. જોકે અત્યારે સ્થિતિ એવી છે કે, ગુજરાત સરકાર દ્વારા આ સ્થળની યોગ્ય સાર સંભાળ લેવાતી જ નથી ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે ગુજરાત સરકારને ત્રણ વખત પત્ર લખીને તાકીદ પણ કરી છે છતાં રાજ્ય સરકાર અવગણના કરે છે.
ગૂજરાત વિદ્યાપીઠના સમાજ વૈજ્ઞાનિક ડો. કાળુભાઈ ડાંગરે આ અંગે જણાવ્યું હતું કે અત્યારે આ સ્મારકની દેખરેખની કોણ જવાબદારી સંભાળે છે તેની જાણ નથી, પરંતુ જે તે સમયે માહિતી વિભાગ પાસે સ્મારકની જવાબદારી હતી. ૨૦૧૩માં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે આ સ્મારકનું સમારકામ થયું હતું. એ પછીથી આ જગા વિશે ધ્યાન અપાયું નથી.