સુરત: લોકડાઉન બાદ હીરાબજારમાં કામકાજ શરૂ થતાં તેનો લાભ ઉઠાવીને એક દલાલ રૂ. ૧૦ કરોડનો પોલિશ્ડ હીરાનો માલ વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સ પાસેથી મેળવીને ફરાર થયાના અહેવાલ છે. સમાચાર હતા કે દલાલે પોલિશ્ડ સસ્તામાં રોકડેથી વેચીને અને જૂની ચિઠ્ઠીઓ કપાવીને પૈસા મેળવ્યા છે. મુંબઈ બીકેસીમાં પણ એક વેપારીએ આવી જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને રૂ. ૨૫-૩૦ કરોડમાં ઉઠમણું કર્યું હોવાના અહેવાલ હતા ત્યારે આ સુરતના દલાલના બજારમાં કામકાજો ખૂબ જ ધીમાં થયાં હતાં. ચોક્કસ રેન્જમાં માલની ડિમાન્ડ છે એવું તેણે જણાવીને મહિધરપુરા હીરાબજાર, ચોકસી બજાર અને માનગઢ ચોકમાંથી છેલ્લાં થોડાં દિવસોમાં ૧૦૦થી લઇને ૨૦૦ કેરેટ સુધીનો પોલિશ્ડનો માલ વેચવા માટે મેળવ્યો હતો. મેન્યુફેક્ચર્સ અને વેપારીઓને વિશ્વાસ બેસે તે માટે જૂની ચિઠ્ઠીઓનું પણ પેમેન્ટ કરાવી આપવાનો વિશ્વાસ આપી જૂની ચિઠ્ઠીઓ પણ મેળવી લીધી હતી. કેટલાકે ચિઠ્ઠી ઉપરાંત પોલિશ્ડ માલ આપ્યો હતો, તેઓએ બંને ગુમાવ્યાં હતાં. કેટલાકે રૂ. ૧ કરોડ અને રૂ. સવા કરોડનો માલ આપ્યો હોવાનું પણ બજારમાં ચર્ચાઈ રહ્યું છે.