સુરત: રાંદેર ભેસાણ ચાર રસ્તા પાસે ૧૬મીએ પોલીસે એક મર્સિડીઝ કારને અટકાવી તેની ડીકીમાં તપાસ કરતા રૂ. ૩.૮૫ કરોડની જૂની ચલણી નોટોના પાંચ થેલા મળી આવ્યા હતા. કારમાં ચાર જણા બેઠા હતા, જોકે ડીકી ખોલતાની સાથે ત્રણ જણા ભાગી ગયા હતા. જ્યારે ગાડીના માલિક વિશાલ બારડની પોલીસે ધરપકડ કરી હતી. રાંદેર પોલીસે રૂ. ૩.૩૬ કરોડની રી. ૫૦૦ના દરની ૬૭,૨૦૦ તથા રૂ. ૪૯ લાખની ૧૦૦૦ના દરની ૪૯૦૦ મળીને રૂ. ૩.૮૫ કરોડની જૂની નોટો તેમજ કાર કબજે કરી હતી. પોલીસે કારમાં બેઠેલા સની ડાંગર, ભાવેશ ભરવાડ અને અન્ય એકને ભાગેડુ જાહેર કર્યો છે. રૂ. ૩.૮૫ કરોડ વડોદરાના જમીન દલાલ હસમુખ પાસેથી મિત્ર મારફતે લઈ આવ્યો હોવાનું અને જૂની નોટો વરાછામાં કોઈને આપવાનો હોવાની વાત વિશાલે પોલીસ સમક્ષ કરી હતી.