સુરતઃ આફ્રિકામાં આવેલા સિઓરા લિઓનથી એક પાદરીને ૭૦૬ કેરેટ વજનનો દુર્લભ હીરો મળી આવ્યો છે. તેમણે આ હીરો ત્યાંની સરકારની સોંપી દીધો છે. આ ઘટનાની વિશ્વભરનાં હીરાબજારમાં ચર્ચા છે. તેથી હવે સુરત અને મુંબઇના કેટલાક હીરાવેપારીઓ આ ડાયમંડ ખરીદવા માટે સિઓરા લિઓન પહોંચી ગયા છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક લોકોનાં કહેવા મુજબ, પશ્ચિમ આફ્રિકાના સિઓરા લિઓનમાં પાદરી ઇમોન્યુઅલ ઇમોહાને ૭૦૬ કેરેટ વજનનો અતિદુર્લભ હીરો મળી આવ્યો છે. અત્યાર સુધી મળી આવેલા સૌથી મોટા ડાયમંડ્સ પૈકીના ૨૦ ડાયમંડસમાં તેનો સમાવેશ થાય છે. ઉપરાંત આ હીરાની કિંમત ૩૦૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. હાલમાં તો પાદરીએ આ હીરો રાષ્ટ્રપતિ અર્નેસ્ટ કોરોમાને સોંપી દીધો છે. આ હીરાના વેચાણથી મળનારી રકમનો ખાણવિકાસ તથા તેની સાથે સંકળાયેલા લોકો માટે ઉપયોગ કરવાના સંકેત તનકોરો - કોનો ડિસ્ટ્રીકટના માઇન્સ મિનિસ્ટર અલહાજી મિનકાયાએ આપ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ કક્ષાનું ડાયમંડ હબ ગણાતા ભારતીય હીરાઉદ્યોગકારોએ પણ આ હીરો ખરીદવામાં રસ દાખવ્યો છે. જાણકારો પ્રમાણે, સુરત અને મુંબઇના કેટલાક હીરાઉદ્યોગકારોએ સિઓરો લિઓન પહોંચીને ત્યાંના તંત્ર સાથે આ હીરો ખરીદવા માટે વાટાઘાટ કરી છે. હીરાની ચકાસણીથી લઇને ડાયમંડની ખરીદી માટેની પ્રક્રિયા પણ ભારતીય હીરાઉદ્યોગકારો દ્વારા કરાઈ છે.