સુરતઃ વિપરીત પરિસ્થિતિ સામે લડવા કાંઠા વિસ્તારના આભવા, દીપલી, ભીમપોર અને ગવિયર ગામના યુવાવર્ગે પ્રતિદિન ઘરના સભ્ય દીઠ એક-એક રૂપિયો ઉઘરાવી મેડિક્લેમની પોલિસી તૈયાર કરી છે. ગામલોકોમાં વિશ્વાસની એક માનવસાંકળ રચવાના પ્રયાસરૂપે મેડિક્લેમ પોલિસીની શરૂઆતમાં સભ્યપદ માટે રૂ. ૧૦૦ ફી લેવાય છે. સભ્યપદ સાથે એક સ્ટીલનો ગલ્લો અપાય છે. દરરોજ તમામ સભ્યોનો વ્યકિત દીઠ એક એક રૂપિયો જમા કરાય છે. આજના સમયમાં સામાન્ય સંજોગોમાં પણ પરિવારને બાળકો સાથે એક દિવસનો ૨૦૦થી ૩૦૦ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે ત્યારે આવી મેડિક્લેમ પોલિસીમાં ઘરના પાંચ સભ્યો હોય તો સરળતાથી પાંચ રૂપિયા અલગ મૂકવામાં વાંધો પણ નથી હોતો.
ઘરે જઈને ચેક અપાય છે
ગામમાંથી ઉઘરાવેલા નાણાંનું રોકાણ બેંકમાં ફિક્સ ડીપોઝીટમાં અને અમુક નાણા સેવિંગ્ઝ એકાઉન્ટમાં જમા થાય છે. માંદગી જેવા સંજોગોમાં ડિસ્ચાર્જ થયા બાદ દવા સહિતના તમામ બિલોની ફાઈલ આપી બિલના ૨૦ ટકા ચૂકવવામાં આવે છે. બિલો લઈને ચેક તાત્કાલિક લોકોને ઘરે જઈને અપાય છે.
૨૧૨ લોકોને રૂ. ૧૮.૫૯ લાખના ચેકો અપાયા
ચાર ગામોમાં બે વર્ષથી કાર્યરત મેડિક્લેમ પોલિસીમાં ૪૩૨૨ સભ્યો છે. હાલ એક એક રૂપિયાથી ૩૦ લાખનું બેલેન્સ છે. અત્યાર સુધીમાં ત્રણ ગામમાંથી ૨૧૨ લોકોને રૂ. ૧૮.૫૯ લાખના ચેકો અપાયા છે. ભીમપોરમાં લોક કલ્યાણ ટ્રસ્ટ, ગવિયરમાં કષ્ટભંજન માનવ સેવા ટ્રસ્ટ, દીપલી યુવા વિકાસ ટ્રસ્ટ અને આભવામાં માનવસેવા ટ્રસ્ટે પોલિસી બનાવી છે.