સુરતઃ રેપિસ્ટ નારાયણ સાંઇને સુરતની એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સાંઇની પાખંડવૃત્તિમાં ભાગીદાર ગંગા, જમના અને હનુમાન પણ દસ વર્ષ માટે જેલમાં ધકેલાયા હતા. જેલમાં કાચા કામના કેદી તરીકે હાજરી પુરાવતા નારાયણ સાંઇ સહિતને સજા ફરમાવાયા પછી ચારેય આરોપીઓ પહેલીથી સવારથી પાકા કામના કેદી બન્યા હતા. જેલ પ્રશાસને ચારેયને કેદી નંબર અને બેરેક નંબર ફાળવ્યો હતો.
રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ બળાત્કારી આસારામના પાખંડ પુત્ર નારાયણ સાથે પણ જૈસી કરની, વૈસી ભરની જેવો ઘાટ થયો હતો. સાધિકા સાથે દુષ્કર્મના કેસમાં સુરતની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. સાથોસાથ રૂ. એક લાખનો દંડ ફટકારાયો હતો. કોર્ટમાંથી હતાશ ચહેરે જેલમાં ધકેલાયેલા નારાયણે ૩૦મી એપ્રિલની રાત જેલમાં કાચા કામના કેદી તરીકે જ વિતાવી હતી.
નારાયણની સાથોસાથ તેના અત્યંત વિશ્વાસુ કૌશલ ઉર્ફે હનુમાન સહિત મદદગાર ગંગા અને જમના પણ કાચા કામના કેદી તરીકે જ જેલમાં રહ્યાં હતાં. આ ચારેય આરોપીઓને પહેલી મેએ સવારે પાકા કામના કેદી તરીકે નવી ઓળખ અને નંબર અપાયા હતા. છેલ્લા ૬૪ માસથી જેલમાં બંધ નારાયણ સાંઇને લાજપોર જેલ તંત્રે કેદી નં. ૧૭૫૦ જાહેર કર્યો હતો. સજા સાંભળી કોર્ટમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડેલા કૌશલ ઉર્ફે હનુમાનની જેલ ચોપડે કેદી નં. ૧૭૪૯થી નવી એન્ટ્રી પડી હતી. તેને જેલમાં રહેવા માટે બેરેક નં. સી-૯ ફાળવાઇ હતી. આ જ પ્રમાણે પીડિત સાધિકાને કોટડીમાં ગોંધી રાખનારી ધર્મિષ્ઠા ઉર્ફે ગંગાને કેદી નં. ૧૭૫૨ અને ભાવના ઉર્ફે જમનાને પાકા કામની કેદી નં. ૧૭૫૧ જાહેર કરાઇ હતી. બંને બહેનોને જેલમાં મહિલા બેરેક નં. ૨ ફાળવવામાં આવી હતી.