સુરતઃ સુરતના યોગી ચોક ખાતે દેશના પ્રથમ એવા અનોખા સમૂહલગ્ન યોજાશે. જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન તેમ જ માર્ગ સુરક્ષા પર ભાર મૂકાશે. લગ્ન સમારંભ આવનાર તમામ આમંત્રિતો આ પોસ્ટર વાંચે અને અનુસરવા પ્રેરણા લઈ શકે તે માટે ત્યાં ટ્રાફિકના નિયમોના પોસ્ટર લગાડાશે. લગ્નના દિવસે માર્ગ સુરક્ષા પર એક નાટક પણ ભજવાશે. રસપ્રદ વાત એ પણ છે કે યુગલોને કરિયાવરમાં હેલ્મેટ પણ આપવામાં આવશે. જય હિન્દવાપીર ચેરિટેબલ ટ્રસ્ટ અને નેશનલ યુવા સંગઠન દ્વારા સંયુક્ત રીતે પ્રથમવાર આ સમૂહલગ્નનું આયોજન થયું છે. પ્રથમ વખતે સમૂહલગ્ન આયોજિત કરી રહ્યા હોવાથી આ સંસ્થા કંઈક અલગ અને પ્રેરણાદાયી તેમજ સમાજને કોઈ સંદેશો આપતો હોય તેવી થીમ તેઓ પસંદ કરવા માંગતા હતા. સુરતમાં ટ્રાફિકનો પ્રશ્ન અત્યારે સૌથી મોટો છે અને લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે એ ખૂબ જરૂરી છે અને સાથોસાથ પોલીસ સાથેના ઘર્ષણના બનાવો અટકશે. ૩જી મેના આયોજિત આ સમૂહલગ્નમાં ૧૬ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે અને તેમાં અંદાજે પાંચ હજાર લોકો એકત્ર થશે.