સુરતઃ કડોદરામાં વરેલી ગામ ખાતે બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ ૧૦મીએ વધુ બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં છે. સુરત શહેર અને જિલ્લાઓમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓને કારણે છેલ્લા ૨૩ દિવસમાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ચાર ઘટનાને કારણે ૨૧ લોકો મોતને ભેટયા છે. રાજ્ય સરકારે હવે તાજેતરમાં આ મુદ્દે કાયદો અને વ્યવસ્થાના એડીઆઈજી, નશાબંધી વિભાગના આઈએએસ અને ફોરન્સિક સાયન્સના વડા સહિતની ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચી છે અને એટીએસ આ કેસની તપાસ કરશે. લઠ્ઠાકાંડના પગલે સુરત જિલ્લાના ગામડાઓમાં ૧૦૮ એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખી આરોગ્ય કંટોલરૂમ શરૂ થયો છે. લઠ્ઠાકાંડની ઘટનાથી સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં ૬ પીઆઈની બદલી થઈ છે.
ઘટનાક્રમની શરૂઆત
૧૮ ઓગસ્ટે બે લોકોનાં મોત સાથે લઠ્ઠાકાંડની શરૂઆત થઈ હતી. ૧૮મી ઓગસ્ટે સુરત જિલ્લાના નિયોલગામે દેશી દારૂ પીવાના કારણે લિંબાયત ગોડાદરાના ગણેશનગરમાં રહેતા કિશન દિનેશ બાધા તથા ક્રિશ્ના કિશોર વાઘનું મોત થયું હતું. જ્યારે તેના બે મિત્રો પૈકી ભીમરાવ બાપુભાઈ સાળુકે (રહે. પરવટગામ)ની આંખે નબળાઈ આવી જતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો.
ગત ૨૬મી સપ્ટેમ્બરે સવારે ૧૦.૩૦થી લઈને ૨૭મી તારીખે બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં રહસ્યમય સંજોગોમાં ૩૦થી ૩૫ વર્ષની વયના પાંચ યુવકોના મોત થયા એ પછી કાપોદ્રામાં રહેતા પ્રવીણ ઉરઘણે તથા ગોવિંદ નરસિંહ રેડ્ડીનું દેશી દારૂના કારણે કથિત મોત થયાના અહેવાલો હતા. બન્નેના એફએસએલના રિપોર્ટમાં લઠ્ઠો પીધાનું ખૂલતાં પોલીસે બે ગુનાઓ દાખલ કર્યા હતા. એ પછીના લઠ્ઠાકાંડમાં ૭મીએ એક પછી એક ચાર યુવકો મોતને ભેટ્યા હતા અને પછી પણ મોતનો સિલસિલો ચાલુ હતો જેથી શહેરની ત્રણ ખાનગી હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓને ફ્રીમાં સારવાર આપવાની તૈયારી હાલમાં કરાઈ છે. જયારે આપ અને કોગ્રેસના નેતાઓએ ઉચ્ચ પોલીસ અધિકારીની સામે પગલાં ભરવાની માગ કરી છે.
પલસાણા તાલુકાના વરેલી ગામ સહિત હરિપુરામાં કથિત લઠ્ઠાકાંડમાં વધુ ત્રણ મૃત્યુ થતાં મરણ આંક ૨૧ પર પહોંચ્યો છે.