અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે છેલ્લાં ૧૧ વર્ષથી નાસતા ફરતા લૂંટ અને પાંચ હત્યા કરનાર સિરિયલ કિલર અસ્લમ ઉર્ફે લાલાભાઇ અબ્દુલકરીમ શેખ (રહે. મદીના મસ્જિદ પાસે બાલાસિનોર)ની ૨૬મી જૂને સુરતમાંથી ધરપકડ કરી હતી. અસ્લમની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, તેણે પોતાના સાગરિતો સાથે મધ્ય ગુજરાતના મહિસાગર, વડોદરા પંચમહાલ વગેરે જિલ્લાઓમાં ૨૦૦૮થી ૨૦૧૧ દરમિયાન રાતના સમયે ટ્રેક્ટર રેતી કપચીના ફેરા કરતી એકલદોકલ વ્યક્તિને પકડી તેના હાથ-પગ બાંધી નદી-કેનાલમાં ફેંકી દીધાં હતાં. જ્યારે ટ્રેક્ટર ટ્રોલી નજીવી કિંમતમાં વેચી દીધાં હતાં.
અસ્લમ ઉર્ફે લાલાભાઇની પત્નીએ કહ્યું હતું કે, લગ્ન કરતા પહેલાં મારા પતિએ તેની ગુનાહિત પ્રવૃત્તિ સહિતના વાતો મને કરી હતી. તે હિંદુ બનીને રહેતો હતો તે વાત સાચી છે. મારે ધર્મ સાથે કશું લેવાદેવા નથી. મારો પતિ મારા અને બાળકો માટે ભગવાન છે. મારી સાથે લગ્ન કર્યા પછી તેણે ગુનાહિત પ્રવૃત્તિ છોડી દીધી છે.
મિત્રોની ખરાબ સંગતે બગાડ્યો
આરોપી અસ્લમ સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. તેના પિતા બાલાસિનોર પાસે પેટ્રોલપંપ અને ટ્રેક્ટરની એજન્સી ધરાવતા હતા, પરંતુ ખોટી સંગતે અસ્લમે કોઠંબા, દહેગામ, મોડાસા અને છોટા ઉદેપુરમાં હત્યા અને લૂંટ જેવા ગુના આચર્યા હતા. માત્ર ૨૫થી ૩૦ હજારની રક્મ માટે તે હત્યા કરતા ખચકાતો નહોતો.
નર્સ સાથે પ્રેમલગ્ન કર્યા
અસ્લમમાં એક સાગરિત શામળાજી પાસે પકડાઇ જતાં તે રાજસ્થાન ભાગી ગયો હતો. ત્યાર બાદ તે સુરત આવી ગયો અને ૯ વર્ષથી એ ત્યાં હોસ્પિટલમાં કામ કરતો હતો. દરમિયાન દોઢ વર્ષથી આશુતોષ હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે નોકરી કરતો હતો. ત્યાં જ કામ કરતી હિન્દુ નર્સ સાથે તેણે પ્રેમલગ્ન કર્યાં હતાં.