રાજપીપળા: દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અમિત અરોરાએ તેમનાં પત્ની સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૩જીએ મુલાકાત લીધી હતી. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પ્રસંગે ખૂબ જ આદર અને સન્માન સાથે તેઓએ માથું ટેકવી સરદાર પટેલની ચરણ વંદના કરી હતી. તે પછી તેમણે પ્રવાસન ધામ કેવડીયાના વિવિધ આકર્ષણોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું કે, આ સ્ટેચ્યુ અજાયબીની સાથે એકતાનું પણ પ્રતીક છે. સરદાર વલ્લભભાઈ પટેલે ઈન્ટરનેટ કે ઈન્ફર્મેશન ટેક્નોલોજી નહોતી એવા સમયમાં કઠોર પરિશ્રમ કરી સામાન્ય ટાઈપ રાઈટિંગના માધ્યમથી લખાણો લખીને દેશના ૫૬૨ રજવાડાને એક કર્યાં હતાં. તેમણે ભારતને એક કરવાનું ભગીરથ કામ કર્યું હતું. આગામી સમયમાં પ. બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે. હાલના સંજોગોમાં ત્યાંની સ્થિતિ ગંભીર છે એ બાબતોને ધ્યાનમાં લઇને દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ચૂંટણી આયોગની ટીમ અને પશ્ચિમ બંગાળના અધિકારી સુદીપ જૈને બે વખત પ્રવાસ કરી પ. બંગાળની સ્થિતિનું આકલન કર્યું હતું. કોરોના હોવા છતાં અમે બિહારમાં સારી રીતે ચૂંટણી કરી, એ જ રીતે પશ્ચિમ બંગાળમાં પણ મજબૂતીથી ચૂંટણી થશે. પશ્ચિમ બંગાળમાં સ્થિતિ મુજબ ફોર્સ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે ચર્ચાઓ કર્યા બાદ નિર્ણય કરાશે અને જરૂરિયાત મુજબ ફોર્સ પણ મળી જશે. લોકશાહીમાં કોઈ પણ ચૂંટણી કરવી એટલી સહેલી નથી. આટલા મોટા ભારત દેશમાં ઘણા બધા પ્રશ્નો છે, દરેક રાજ્યોના વિસ્તારો અને ભૌગોલિક પરિસ્થિતિ પણ અલગ અલગ હોય છે.
મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના ઇન્ચાર્જ મેનેજીંગ ડિરેક્ટર ડો. રાજીવ ગુપ્તા સાથે ગુજરાતના તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદથી હેલીકોપ્ટર દ્વારા કેવડીયા હેલીપેડ ખાતે પહોચ્યા હતા.
અહીં તેઓએ જણાવ્યું કે, આ પ્રતિમા નથી, સ્થાપત્યનો ચમત્કાર છે તેથી જ તેના લીધે આ સ્થળ તીર્થ ધામ બન્યું છે અને પ્રભુની કૃપા હોય અને સદનસીબીનો સાથ હોય તો જ આવા ધામની મુલાકાત શક્ય બને છે. તેમણે કહ્યું હતું કે, અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય પણ અદભુત છે. ૨૦૦૭માં આ પ્રતિમાની પરિકલ્પના કરવામાં આવી એની યાદ અપાવતાં તેમણે જણાવ્યું કે, આ વિશ્વની સહુથી વિરાટ પ્રતિમા છે. ભારતને એકતાના સૂત્રે જોડનારા મહાપુરુષની આ પ્રતિમા છે.
તેમણે ૧૯૪૫થી ૧૯૫૦ વચ્ચે સરદાર સાહેબને જુદાં જુદાં મહાનુભાવોએ લખેલા પત્રોના સંકલિત ગ્રંથનું હાલમાં તેઓ દ્વારા થઇ રહેલા વાંચનને યાદ કરતાં જણાવ્યું કે, તેઓ ખરેખર કર્મઠતાની પ્રતિમૂર્તિ હતાં. મારી કલ્પના કરતાં પણ આ જગ્યા ક્યાંય વધારે અદભુત છે, તેમ વધુમાં ઉમેર્યું હતું.