સુરતઃ વડતાલ સ્વામીનારાયણ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા હરિભક્તોનો ધર્માદો નહીં સ્વીકારીને નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેના પગલે સુરતમાં સંપ્રદાયના ભક્તોએ આંદોલન શરૂ કર્યું છે. ૨૫ જૂને આ ભક્તોએ કાપોદ્રા શ્રીજી મંદિર ખાતે બેનર સાથે રેલી યોજી હતી. ઉપરાંત ચેરિટી કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે જ્યાં સુધી ધર્માદો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. ધર્માદો સ્વીકારવાના મુદ્દે ચાલતા આંદોલનમાં ગઢડાના એસ. પી. સ્વામીની આગેવાનીમાં કાપોદ્રા શ્રીજી મંદિરેથી રેલી નીકળી હતી. અને સીમાડા ગામમાં આવેલા શ્રીજી મંદિર સુધી રેલીને લઈ જવામાં આવી હતી. આ રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી. તેમ જ પુરૂષો પણ બેનરો હાથમાં લઈને વિરોધ દર્શાવ્યો હતો. આગામી દિવસોમાં ધર્માદો સ્વીકારવાના મુદ્દે ચાલી રહેલ આંદોલનમાં કોઈ અસરકારક પગલાં ભરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર લડત શરૂ કરાશે.