વડોદરાઃ જિલ્લામાં કોરોના હવે રાજકીય મોરચે ઘૂસી રહ્યો છે. કરજણ મત વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળિયો) બાદ આ જ મત વિસ્તારના કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ પણ કોરોનામાં સંક્રમિત થયા હતા. ત્યાર બાદ સાવલી મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં ૨૫મી જુલાઈએ ૫૪૧ વ્યક્તિઓનાં સેમ્પલ લેવાયા હતા. જેમાંથી ૪૬૩ના કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે ૭૮નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે તમામ વાડી, ગોરવા, રાવપુરા, રાજમહેલ રોડ, સેવાસી કેનાલ રોડ, લાલબાગ, પોલોગ્રાઉન્ડ, દાંડીયાબજાર, સમતા, ગોત્રી, વાઘોડિયા રોડ, ફત્તેપુરા, ન્યુ વીઆઇપી રોડ, હરણી, સરદારનગર, આજવા રોડ, જેતલપુર વિસ્તારમાંથી આવ્યા હતા. જ્યારે જિલ્લાના લીમડા, ડભોઇ, વરસાડા, ભાયલી, પોર, ઉંડેરા, નવાપુરા, પાદરા, ડભાસા તથા કરજણ ખાતે પણ નવા કેસ આવ્યા હતા.
જિલ્લાના સાવલીમાં રહેતા ધારાસભ્ય કેતન ઇનામદારની તબિયત ઠીક ન હોવાથી તેઓએ ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓને તબીબોએ હોમ ક્વોરેન્ટાઇન કરીને સારવાર શરૂ કરી દીધી હતી.
વડોદરાના જાણીતા ટ્રાવેલ્સ એજન્ટ, ડભોઇ પંથકના શિરોલાના ભાજપના કાર્યકર સહિત પંદરથી વધુ કોરોનાના સારવાર લઇ રહેલી વ્યક્તિઓના છેલ્લા ચોવીસ કલાકમાં મોત થયા હતા. ડભોઇ તાલુકાના શિરોલામાં ભાજપના એક યુવા કાર્યકરનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. વાઘોડિયા નજીક ગોરજ ખાતે મુની સેવા આશ્રમમાં કેન્સર હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ સહિત તેર વ્યક્તિઓના કોરોનાના પોઝિટિવના રિપોર્ટ આવ્યા હતા.