વડોદરાઃ વડોદરાથી વાપી માટે બુલેટ ટ્રેનનો ટ્રેન સ્ટેશન અને બ્રિજ બનાવવા માટેનું દેશનો સૌથી મોટું સિંગલ લાર્જેસ્ટ ટેન્ડર તાજેતરમાં દિલ્હીમાં ખોલવામાં આવ્યું હતું. રૂ. ૨૦૦૦૦ કરોડના એસ્ટીમેટ સામે રૂ. ૨૪૯૮૫ હજાર કરોડનું લોએસ્ટ પ્રાઇસનું એલ એન્ડ ટીનું આવ્યું હતું. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા હાલમાં ઇવેલ્યુએશનની ટેકનિકલ કામગીરી શરૂ કરાઈ છે.
અમદાવાદ -મુંબઈ બુલેટ ટ્રેનના ૫૦૮ કિ.મી.ના રૂટમાં C- ફોર તરીકે ઓળખાતા આ ટેન્ડરમાં ૨૩૭ કિ.મી.નો રૂટ સમાવિષ્ટ છે. જેમાં વડોદરાના મકરપુરાથી વાપી ઝારોલા ગામ સુધી કામગીરી કરવાની રહેશે. સપ્ટેમ્બરમાં થયેલી બીડમાં ૩ કંપનીએ ભાગ લીધો હતો. વડોદરામાંથી પસાર થનાર ૮ કિ.મી.ના રૂટ માટેના C-૫ ટેન્ડર અંગે કામગીરીનું પ્રેઝન્ટેશન સંસદ સમક્ષ રજૂ કરાયું હતું જે અંગે સાંસદ દ્વારા સ્ટેશન પાસેના લલિતા ટાવરની જગ્યા લઈને આગામી સમયમાં વિકાસ કરવા સૂચન કરાયું હતું.