સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી વેપારીઓના ઉઠમણા થઇ રહ્યા છે. એક પછી એક મોટા ગજાના કહી શકાય એવા હીરાના કારખાનેદારો અને વેપારીઓ હાથ ઊંચા કરી રહ્યા છે. મુંબઈમાં વર્ષોથી હીરાનું મોટું યુનિટ ધરાવતા ગારીયાધારના વતની એવા ત્રણ ભાઈઓએ અંદાજે રૂ. ૧૭૫ કરોડમાં હાથ ઊંચા કર્યાની વાત વહેતી થઈ છે. આ કારખાનેદારો પાસે સુરત ઉપરાંત મુંબઈના રફના વેપારીઓના અને જોબ વર્ક કરનારાના રૂપિયા ફસાયાનું કહેવાય છે. આ ત્રણેય ભાઈઓની બજારમાં શાખ સારી હતી અને તેમની પેઢીનો કારોબાર પણ સારો હોવાનું કહેવાય છે. આર્થિક સંકડામણને કારણે આ કારખાનેદારોએ પોતાના ડાયમંડ યુનિટને બંધ કરવાની નોબત આવી હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે.
હીરા બજારમાં અવિશ્વાસનો માહોલ
જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી હીરા ઉદ્યોગની ટોચની બે મોટી પેઢીઓ કાચી પડી છે ત્યારથી હીરાઉદ્યોગમાં અવિશ્વાસ ઊભો થયો છે. આવા વાતાવરણથી હીરાના કારખાનાઓમાં કામકાજને મોટી અસર થઈ છે. મંદી અને આર્થિક કટોકટીના અહેવાલથી અસમંજસમાં મૂકાયેલી કેટલીક કંપનીઓએ સમય સૂચકતા વાપરીને કામકાજનાં સમયમાં ઘટાડો કર્યો છે. તો કેટલીક કંપનીઓએ કામકાજનાં દિવસોમાં ઘટાડો કર્યો છે. કેટલીક બેન્કોએ જોખમ ઘટાડવા ૨૨ નબળી ડાયમંડ પેઢીની કેશ ક્રેડિટ પાછી ખેંચી લીધી છે.