સુરતઃ શહેરીજનોને કાગડોળે રાહ જોવડાવ્યા બાદ છેલ્લા બે અઠવાડિયામાંથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયાથી બારે વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં દિવસભર વાદળછાયા અને ભેજવાળા વાતાવરણની સાથે જ ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે. હવે ચોમાસાની શરૂઆત સાથે જ સ્વાદરસિયા સુરતીઓના માનીતા ટેસ્ટફુલ સરસિયા ખાજાનું બજાર ધમધમવા માંડ્યું છે. સુરતમાં ભાગળ, રાજમાર્ગ, ચૌટા સહિતના વિસ્તારોમાં આવેલી સરસિયા ખાજાનું વેચાણ કરતી પેઢીઓમાં ધૂમ વેચાણ શરૂ થઈ ગયું છે. આ ખાજાની ખરીદી માટે ગ્રાહકોની કતાર લાગતી હોવાથી આ સરસિયા ખાજાનું ઓનલાઈન વેચાણ પણ શરૂ થઈ ગયું છે. હાઇટેક યુગમાં જૂની પેઢીઓએ વેબસાઈ, ફૂડ, પોર્ટલની મદદથી ઓનલાઈન માર્કેટિંગ શરૂ કરી દીધું છે.
સરસિયા ખાજાની દેશ-વિદેશમાં બોલબાલા છે. જે અંતગર્ગ હાલમાં ચોમાસાની શરૂઆત સાથે જ મરી મસાલાથી ભરપૂર, તીખા, ટેસ્ટફુલ એવા સરસિયા ખાજાની ખરીદી માટે પડાપડી જોવા મળી રહી છે.
એરટાઇટ કન્ટેનરમાં વિદેશમાં પાર્સલ
સુરતી ખાજા અન્ય રાજ્યો અને વિદેશમાં રહેતા સ્વાદરસિયાઓને ખાસ પ્રકારના પાર્સલમાં મોકલવામાં આવે છે. વિદેશમાં પાર્સલ માટે ખાસ પ્લાસ્ટિકનું એરટાઇટ કન્ટેનર આવે છે. આ આ ડબ્બામાં ખાજા વિદેશ લઈ જવાય છે. ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે ખાજા પેક કરીને વિદેશ રવાના થાય છે.