વાપીઃ બીલખાડી પર થયેલા ગેરકાયદે દબાણો સામે વહીવટીતંત્રએ હાથ ઊંચા કરી દેતાં સ્થાનિક રહીશોએ પોતાના ઘરમાં પાણી ભરાતા અટકાવવા ઘર ઊંચા કરાવવાનું શરૂ કર્યું છે. વાપી ગુંજન વિસ્તારમાં એવન્યુ પાર્કમાં રહેતા સોસાયટીમાં રહેતા કેતનભાઈ પટેલે દર વર્ષે લાખ્ખોની નુકસાનીમાંથી બચવા માટે જેકથી પોતાનું ઘર ચાર ફૂટ ઊંચું કરાવવાનું શરૂ કર્યું છે. તેમણે પોતાનું બે માળનું મકાન જમીનથી ચાર ફૂટ ઊંચું કરાવવાનો નિર્ણય લીધો છે. ઘરને જમીનદોસ્ત કરી નવેસરથી બનાવવા કરતાં હયાત ઘર જ જેકથી ઊંચું કરવા તેમણે અમદાવાદની કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપી દીધું છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલતું કામ આગામી એકાદ મહિનામાં પૂર્ણ થઈ જશે. કેતનભાઈએ જણાવ્યું કે, ગત ચોમાસામાં તેમના ઘરમાં બે ફૂટ પાણી ભરાઈ ગયા હતા. તેથી ઘણું નુકસાન થયું હતું. આ વખતે પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ ન થાય માટે જેકથી આખેઆખું ઘર ઊંચું કરાવવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે વાપી જીઆઈડીસી અને ગુંજન વિસ્તારમાં પસાર થતી બીલખાડી પર ભંગારીયાઓને બિલ્ડરો દ્વારા મોટાપાયે દબાણથી બીલખાડીની પહોળાઈ ઘટી છે અને વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં ગુંજન વિસ્તારમાં દર ચોમાસામાં કેડસમા પાણી ભરાઈ જાય છે.
આખેઆખું મકાન કેવી રીતે ઊંચું થાય?
છેલ્લા ૨૨ વર્ષી જેકથી આખું બિલ્ડીંગ અને મકાન ઊંચું કરવાનું કામ કરતાં મુકેશભાઈએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારનું પ્રથમ કામ છે. સૌ પ્રથમ મકાનના પાયામાં બેથી અઢી ફૂટ ખોદકામ કરી જેક લગાડાય છે. બાદમાં ધીમે ધીમે અન્ય જેક લગાડી બેથી અઢી ફૂટ મકાન ઊંચું કરી ચણતર કે બીમ ભરવામાં આવે છે. તેમની ટીમમાં નેપાળ અને બિહારના કારીગરો છે. તેમણે અમદાવાદના એસ. જી. હાઈવેસ્થિત એક મંદિર આખેઆખું શિફ્ટ કર્યું છે. ઘણી શાળાઓમાં પણ આ પ્રકારનું કામ કર્યું છે.