વલસાડઃ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ નજીકના લેનેસીયા શહેરમાં એક મોલમાં નોકરી કરતા વલસાડના યુવક પર કેટલાક અશ્વેત યુવાનોએ લૂંટના ઇરાદે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો છે.
વલસાડના બેચર રોડ પર નૂર મંઝીલમાં રહેતા નિવૃત્ત રેલવે કર્મચારી મહમદભાઈ પઠાણનો ૩૦ વર્ષીય એકનો એક પુત્ર સમીર અગાઉ નોકરી માટે દ. આફ્રિકા ગયો હતો. સમીર ગત સપ્તાહે રાત્રે નોકરી જવા નિકળ્યો હતો અને મોબાઈલ પર વાત કરતો પગપાળા જતો હતો. આ સમયે અચાનક કેટલાક અશ્વેત યુવાનોએ તેને ઘેરી લીધા બાદ સમીરના હાથમાંથી ફોન ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. સમીરે તેમનો સામનો કરતાં, એક અશ્વેત યુવાને ચપ્પુ કાઢીને સમીરના હૃદય, ગળા તથા પેટના ભાગે ઉપરાછાપરી ઘા મારીને તેને સ્થળ પર જ ઢાળી દીધા બાદ ફોન લૂંટીને ભાગી છૂટયા હતા.