વાપી: વલસાડ જિલ્લામાં ૫ડી રહેલી અસહ્ય ગરમીને કારણે આંબા પર બેઠેલી કેરીઓ પીળી પડવાના કારણે ખેડૂતોમાં ચિંતા છે. અનેક વૃક્ષો પરથી તો કેરી ખરી પડતાં ખેડૂતોને ભારે નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગથી વાતાવરણમાં થતા ફેરફારને લીધે આવું બન્યું હોવાનું ખેડૂતો માને છે. ગયા વર્ષે પણ કમોસમી વરસાદ અને અનિયમિત વાતાવરણને કારણે વલસાડી આફૂસ સહિતના કેરીના પાકને ભારે નુક્સાન થયું હતું. જેને કારણે ખેડૂતોને અપેક્ષા કરતાં ઓછો પાક મળ્યો હતો.
તો આ વર્ષે હાલ ઉનાળાની મોસમમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીની સીધી અસર કેરીના પાક પર જોવા મળી છે. વલસાડ જિલ્લામાં પડતી અસહ્ય ગરમીથી આંબાના વૃક્ષ પરથી મોર પીળાં પડવાની ઘટનાથી ખેડૂતો ચિંતામાં છે. કેરીના પાકને ભારે નુક્સાન થવાની ભીતિ છે.
પારડીના ખેડૂત પ્રકાશ પટેલના જણાવ્યા અનુસાર ગત વર્ષે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થયું હતું. આ વર્ષે ખેડૂતોએ કેરીનો પાક વધુ આવે તે માટે જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો. આ વર્ષે આંબા પર મોટા પ્રમાણમાં મંજુરીઓ આવતા ખેડૂતો હરખાઈ ગયા હતા. પરંતુ હાલ પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે કેરીઓ ખરી પડતા પાકને ભારે નુકશાન થયું છે. ખેડૂતો આ વર્ષે વધુ પાક ઉતરવાની આશા સેવી રહ્યા હતા. પરંતુ વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે ખેડૂતોએ આ વર્ષે પણ ભારે નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે.