વલસાડઃ તાજેતરના કમોસમી વરસાદથી કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને જ્યારે વિવિધ પ્રદેશોની કેરીનું આગમન થઇ રહ્યું છે ત્યારે ખેડૂતો પર મોટી અસર પડી છે. આ ઉનાળામાં કેરીની મોટી અછત ઊભી થશે તેવું માનવામાં આવે છે ત્યારે કેરીનો ભાવ પણ આસમાને પહોંચશે તેવી ધારણા થઇ રહી છે. આથી જે કેરીનાં બાગમાં પાકને પ્રમાણમાં ઓછું નુકસાન થયું છે ત્યાં ફાલની ચોરી ન થાય તે માટે બાગ માલિકોએ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. વલસાડી હાફૂસ કેરી માટે જાણીતા આ પંથકમાં રાજસ્થાનના બાડમેરથી ૪૫ પઠાણોને ખાસ કેરીની સુરક્ષા માટે બોલાવવામાં આવ્યા છે. કેરીની ચોરી અટકાવવા માટે માલિકોએ રૂ. ૮થી ૧૦ હજારનાં માસિક પગારે ખાસ ચોકીદારો રાખવામાં આવ્યા છે. જો કે વલસાડમાં પાકની સુરક્ષા માટે પઠાણોને રાખવાની પરંપરા તો બે દાયકાથી ચાલી આવે છે. પરંતુ અત્યાર સુધી તેનું કામ માત્ર ગામમાં ચોરી સામે રક્ષણનું હતું. પરંતુ હવે તેમને કેરીના બગીચાની સુરક્ષાનું કામ આપવામાં આવી રહ્યું છે.