વાંસદાઃ પંથકના ખાનપુર બારતાડ ગામે મરતે પણ મારગ નહીં એવી સ્થિતિ છે. તાજેતરમાં ગામમાં નદીના પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડી હતી. ચોમાસામાં સર્જાતી વર્ષો પુરાણી આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ નથી. વાંસદાથી ધરમપુર રોડ નેશનલ હાઈવે નં.-૫૬ પર ખાનપુર ગામ આવેલું છે. જે ગામની વસ્તી પાંચ હજારથી વધુ છે અને ૧૦૦ ટકા આદિવાસી વિસ્તાર છે. આજના આધુનિક અને ટેકનોલોજીના જમાનામાં આજે પણ આ ગામમાં સ્મશાન જેવી પાયાની સુવિધા નથી.. સ્મશાન ભૂમિ સુધી જવા માટે કાચો રસ્તો પણ નથી. આ ગામમાં વર્ષોથી કોઈ મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગીને સ્મશાન સુધી જવું પડે છે. આ સમસ્યા બાબતે ગામના લોકો વર્ષોથી સ્મશાન સુધી આવન જાવન માટે નાનો કોઝવે જેવું માળખું નિર્માણ કરવા સાથે રસ્તો બનાવવાની માગ કરી રહ્યાં છે. ગામના સરપંચ અનેક વખત અધિકારીઓને મૌખિક રજૂઆત કરતા આવ્યા છે. ૧લી સપ્ટેમ્બરે પણ આ જ રીતે સ્મશાન યાત્રા નીકળી હતી. આ ગામના મોભીઓ પણ ફરિયાદ કરતા આવ્યા છે. તેઓને બારેમાસ તાન અને નિરપણ આ બંને નદીમાં પાણી કે પૂર વખતે ભારે મુશકેલીમાં નદી ઓળંગીને સ્મશાન યાત્રા કરવી પડે છે. અહીં પગદંડી પણ ધોવાઈ ગયેલી છે.