વાજપુરનો કિલ્લો જોવા જતાં ત્રણ ડૂબ્યાં, એકનું મોત

Wednesday 15th June 2016 07:13 EDT
 

 છેલ્લાં સપ્તાહથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા ઉકાઈના જળાશયમાં દેખાયેલા વાજપુરના કિલ્લાએ ૧૨મી જૂને એકનો ભોગ લીધો હતો. હોડીમાં કિલ્લો જોવા જતાં મુસાફરોની હોડી ઊંધી વળી જતાં વિશ્વાસ ચૌધરી નામના યુવકનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું અને અન્ય ચારેક જણાને બચાવી લેવાયા હતા. આ ઘટના બાદ વાજપુર કિલ્લાની બંને તરફ પોલીસ જવાનોને મૂકી દીધા છે.
• ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં આગ, ચાલુ શૂટિંગે ભાગવું પડ્યુંઃ ધાર્મિક સિરિયલ્સના શૂટિંગ માટે જાણીતા ઉમરગામ સ્ટુડિયોમાં નવમી જૂને રાત્રે અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. જોકે આગ ખુલ્લી જગ્યામાં લાગી હોવાથી ફાયર ફાઈટરની ટીમે ગણતરીના સમયમાં આગ કાબૂમાં લીધી હતી. હાલમાં ‘સૂર્યપુત્ર કર્ણ’ અને ‘બાલક્રિષ્ણા’નું શૂટિંગ ચાલી રહ્યું હોવાથી કલાકારો સહિતનો કાફલો અહીં હતો. આગ લાગતાં કલાકારો અને સ્ટાફ પોતાના રૂમમાંથી બહાર દોડી આવ્યા હતા ને આગને બુઝાવવાના પ્રયાસો કર્યા હતા.
ભાજપના નેતાની હત્યા કરાઈ કે આત્મહત્યા? રહસ્ય અકબંધઃ પંચમહાલ જિલ્લાના પૂર્વ બક્ષીપંચના પ્રમુખ પી. બી. બારીઆ દ્વારા પોતાના ભાડાના મકાનમાં કરેલા આપઘાત પ્રકરણમાં અનેક શંકા કુશંકાએ સ્થાન લીધું છે. પી. બી. બારિઆના રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મલી આવી હતી. જોકે અચાનક સામાજિક અને રાજકીય ક્ષેત્રે કાઠું કાઢનારા આગેવાનના આપઘાતનો નિર્ણય લોકોને પણ તંરુત ગળે ઉતરતો નથી. ત્યારે તેની હત્યાથી કોને ફાયદો થવાનો હતો? ખાસ કરીને હત્યા કે આત્મહત્યાના વમળો વચ્ચે પોલીસ દ્વારા પણ તે દિશામાં તપાસ કરાય તેવી સંભાવના છે. હાલ પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી છે.
• ભરૂચ હાઈવે ઉપર ૨૫ કિમી સુધી ટ્રાફિકજામઃ નેશનલ હાઈવે ઓથોરિટી તથા એલએન્ડટી દ્વારા ભરૂચ નજીક નેશનલ હાઈવે નં. ૮ ઉપર પ્રિ- મોન્સૂન કામગીરીના ભાગરૂપે નવા સરદાર બ્રિજ ઉપર રિ- કાર્પેટીંગ તથા ર્સિવસ રોડ ઉપર કાર્પેટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે રાત્રિ દરમિયાન એક જ લેન પરથી ટ્રાફિકનું આવા- ગમન કરાવાય છે. જેથી નવમીએ સવારથી આશરે ૨૫ કિમી જેટલો લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. નેશનલ હાઈવે નં. ૮ ઉપર ભરૂચ નજીક હાલ નવા બ્રિજના નિર્માણની કામગીરી તેમજ ઝાડેશ્વર ચોકડી અને મુલદ ચોકડી નજીક ફલાય ઓવર બનાવવાની કામગીરી ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter