વાપીઃ અમેરિકાનાા ન્યૂ યોર્ક કોરોનાનું એપીસેન્ટર બન્યું છે ત્યારે વાપીના અને હાલમાં ન્યૂ યોર્કમાં રહેતા અનાવિલ પરિવારના ૪ સભ્યોએ કોરોનાને ઘરે જ સારવાર લઈને દ્વારા હરાવ્યો હતો. વાપી જલારામ સોસાયટી સ્નેહ પાર્કના રહેવાસી અંકિત મહેન્દ્ર દેસાઇ પરિવાર સાથે વર્ષોથી અમેરિકાના ન્યૂ યોર્કના મેનહેટનમાં રહે છે.
અંકિત દેસાઇના પિતા મહેન્દ્રભાઈની તબિયત લથડતાં તેમનો ટેસ્ટ કરાવાતાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ બાદ અંકિત દેસાઇ અને તેમના બે પુત્રોનાં પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અંકિતભાઈ મેડિકલ સ્ટોર ચલાવતા હોવાથી પરિવારે રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે વિટામીન સી, ઝીંક, એલ્ડરબેરી અને પેરાસિટામોલ દવાનો ઉપયોગ કર્યો હતો.
અંકિતભાઈએ જણાવ્યું કે, ઉપરોક્ત દવાઓ ઉપરાંત દિવસભર લીંબુનું શરબત, આયુર્વેદિક દવા, ગરમ પાણી સહિતનું સેવન કરીને રોગપ્રતિકારશક્તિ વધારવાના પ્રયાસો કર્યા હતાં. અંકિતભાઈએ જણાવ્યું કે, દવાઓ સાથે સાથે સેનેટાઇઝરનો પણ ભરપૂર ઉપયોગ કર્યો હતો. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કસરત, પ્રાણાયમ, યોગ તથા સારો ખોરાક લેવો જોઇએ.