વાપીઃ સાડાપાંચ વર્ષ થવા છતાં પણ વાપી ક્રિટિકલ પોલ્યૂટેડ એરિયામાંથી બહાર નીકળ્યું નથી, પરંતુ પ્રદૂષણની ગંભીર અસર ભૂગર્ભ જળ પર પડી રહી છે. પ્રદૂષિત પાણી જમીનમાં પ્રસરતાં હવે વાપી નજીકના ગામોમાં પાણી પીવાલાયક રહ્યા નથી. જમીનમાંથી બોરિંગ કે કૂવા મારફતે નીકળતા પાણીમાં પ્રદૂષણની દુર્ગંધ આવી રહી છે, જેના પરિણામે લોકો પાણીનો પીવા માટે ઉપયોગ કરી શકતા નથી. લોકો પૈસા ખર્ચીને બહારથી પીવાનું પાણી મગાવી રહ્યા છે. ચણોદ તથા આજુબાજુના વિસ્તારના બોરિંગમાંથી નીકળતું પાણી પ્રદૂષિત જોવા મળે છે. વાપી તથા આજુબાજુના વિસ્તારની જમીનમાં પાણી સંગ્રહ થાય તેવી સંભાવના ઓછી છે. પાણી સંગ્રહ થાય તો પણ તેનો ઉપયોગ કરી શકાય તેમ નથી.
વાપી જીઆઇડીસીને અડીને ઘણા ગામો પથરાયેલાં છે. ગામોમાં રહેતા લોકોને પણ પ્રદૂષણની અસર થઈ રહી છે, પરંતુ સૌથી મોટી અસર પ્રદૂષણના કારણે પીવાના પાણીને થઈ રહી છે. ઉઘોગોનું પ્રદૂષિત પાણી જમીનમાં પ્રસરતાં ધીમે-ધીમે સ્થિતિ વિકટ બની રહી છે. સતત ભૂગર્ભ જળ ખરાબ થઈ રહ્યું છે. ઉનાળામાં સખત ગરમીના કારણે જમીનમાં પ્રદુષણ ડ્રાય થતાં બોરિંગ આવતું પાણી પણ દૂષિત આવી રહ્યું છે. પાણીમાં દુર્ગંધ આવતા લોકો પણ તેનો ઉપયોગ પીવા માટે કરવાનું ટાળી રહ્યા છે. બોરિંગમાંથી આવતું પાણી વાસણમાં નાંખતાની સાથે પાણીનો કલર પણ બદલાઈ જાય છે, જેના પરિણામે જીઆઈડીસી વિસ્તારની આજુબાજુના ગામોમાં જમીનમાંથી નીકળતું પાણી લોકો માટે પીવાલાયક રહ્યું નથી. સ્થિતિને સુધારવાની તાતી જરૂરિયાત હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
વાપી જીઆઇડીસીને અડીને ૧૦થી વધુ ગામોનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધારે ખરાબ હાલત ચણોદ તથા આજુબાજુના વિસ્તારની છે. અહીં રહેણાક વિસ્તાર વધારે હોવાથી પીવાનાં પાણીની માગ સૌથી વધારે રહે છે. પીવાનાં પાણી માટે બોટલો મગાવી પડે છે. ચણોદની સાથે કરવડ, નામધા, કોચરવા સહિતના ગામોના બોરિંગમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું છે.