વાપીઃ વાપીની ખાનગી હોસ્પિટલમાં સરીગાની કોરોનાગ્રસ્ત મહિલાનું મોત થતાં બીલની ચૂકવણી કરાયા બાદ જ લાશનો કબજોઆપવા જણાવાયું હતું. પણ મહિલાના પરિવારે નાણાં નહી હોવાથી સંચાલકે કાર ગીરવે મુકી લાશનો કબજો આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. વાપીની ૨૧ ફર્સ્ટ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મૃતકની લાશનો કબજો મુદ્દે વિવાદ થયો હતો. મહિલા દર્દીને તા. ૩૧.૦૩.૨૧ના રોજ સારવાર માટે દાખલ કરાયા બાદ તેની હાલત ખૂબજ ગંભીર બની હતી અને સોમવારે તેનું મોત થયું હતું. સ્વજનના મતોને પગલે પરિવારજનો હતપ્રભ બની ગયા હતા. પરંતુ હોસ્પિટલ દ્વારા બીલની રકમ ભરપાઈ થયા પછી જ લાશનો કબજો આપવાનું જણાવાયું હતું. જેને લઈ પરિવારજનોની હાલત કફોડી બની હતી. નાણાંની વ્યવસ્થા નહીં થતાં કાર ગીરવે મુકાવી લાખનો કબજો આપ્યાનો હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે. મૃતકના સંબંધીએ જણાવ્યું કે, બીજા દિવસે હોસ્પિટલમાં જઇ નાણાં ચૂકવી કાર પરત મેળવી હતી. આ બાબતે ૨૧ ફર્સ્ટ હોસ્પિટલના એમડીએ જણાવ્યું હતું કે, દર્દીના પરિવારજનોના આક્ષેપો પાયા વિહોણા છે. દર્દીને ૧૧ દિવસથી ડિપોઝીટ લિધા વિના સારવાર અપાતી હતી. કુલ બીલ રૂ. ૨.૦૮ લાખ થયું હતું.
નાણાંની વ્યવસ્થા નહીં હોવાથી મૃતકના સંબંધીએ કાર મુકી બે દિવસમાં નાણાં ભરી લઈ જવા અંગે લખાણ આપ્યું હતું અને બીજા દિવસે નાણાં નહીં ભરવા હોવાથી બબાલ કરી હતી. અમે બિલમાં રાહત પણ આપી હતી અને હજી રૂ. ૨૮ હજાર બાકી છે.