બારડોલીઃ સુભાષચંદ્ર બોઝે બે વખત આઝાદી પહેલા કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું હતું. આ બે વખત પૈકી એક વખત પ્રમુખપદ ધારણ કરવાનો મોકો તેમને ગુજરાતમાં મળ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આવેલા હરિપુરા ખાતે ૧૯૩૮માં કોંગ્રેસનું ૫૧મું અધિવેશન યોજાયું હતું. એ અધિવેશનના પ્રમુખ સુભાષચંદ્ર બોઝ હતાં. આ ગામમાં નેતાજી સાથે સંકળાયેલી ઘણી યાદો છે.
હરિપુરામાં સરકારે નેતાજી અને અધિવેશનનું સ્મારક તૈયાર કર્યું છે. ત્રણ-ચાર વર્ષથી તૈયાર એ સ્મારકનું ઉદ્ધાટન ક્યારે થશે એ કોઈને ખબર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહ પછી બારડોલી ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ હરિપુરા ગામને દતક લીધું છે. સ્મારક અંગે વાત કરતાં પ્રભુભાઈએ કહ્યું હતું કે, ઉદ્ઘાટન તો હજુ બાકી જ છે. પરંતુ હવે ટૂંક સમયમાં સ્મારક શરૂ કરીશું અને સાથે ટ્રસ્ટની સ્થાપના પણ કરાશે. અત્યારે તો સ્મારકની દિવાલોનો ઉપયોગ કપડાં સુકવવા માટે થાય છે. નબળા બાંધકામને કારણે સ્મારકની દિવાલો પણ તૂટવા લાગી છે.
હરિપુરામાં સુભાષબાબુની પૂર્ણ કદની પ્રતિમા પણ છે. જોકે, એ પ્રતિમા પણ એક દાયકા સુધી અનાવરણ વગર ધૂળ ખાતી ઊભી રહી હતી.
આઝાદીની લડાઈમાં હરિપુરાનું પ્રદાન જોતાં તેનો ઐતિહાસિક દૃષ્ટિએ પણ વિકાસ કરી શકાય તેમ છે. હરિપુરા આવેલા ગાંધીજી, નેતાજી વગેરે મહાનુભાવોને રહેવાની વ્યવસ્થા કાળાભાઈ ફકીરભાઈ પટેલના ઘરમાં કરવામાં આવી હતી. એ ઘર બહુ સારી સ્થિતિમાં સચવાયેલુ છે. અલબત્ત, ત્યાં કોઈ સ્મૃતિઓ નથી, પરંતુ ઘર ઊભું છે. હરિપુરાની સીમમાં વિઠ્ઠલનગર (વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી) તરીકે ઓળખાતા ખેતરમાં સંમેલન ભરાયું હતું. આ ગામ તાપીના કાંઠે જ વસેલું હોવાથી પ્રવાસનની પણ ઘણી તકો છે.