વિવિધ ફ્લાઇટ મુદ્દે સુરતને અન્યાયની ફરિયાદ

Friday 31st July 2015 08:49 EDT
 
 

સુરતઃ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતને એરપોર્ટ અને વિવિધ ફ્લાઇટ મુદ્દે અન્યાય થતો હોવાની ફરિયાદ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હી અને સુરત વચ્ચે એર ઈન્ડિયાની ફ્લાઈટને ૮૫ ટકા મુસાફરો મળતા હોવા છતાં આ સરકારી એરલાઇન્સ દ્વારા સુરતને સાતે સાત દિવસ મોટું વિમાન આપવામાં આવતું નથી. એર ઈન્ડિયાએ સુરત જેવા મોટા શહેરની અવગણના કરીને તેની સબસિડઅરી કંપની ‘એલાયન્સ એર’ને હવાલે કર્યું છે. જ્યારે નાના શહેરોમાં એર ઈન્ડિયા ૫૦થી ૬૦ ટકા જેટલા પ્રવાસીઓ માટે સાવ ઓછા ભાડે મોટા વિમાનોની સેવા આપે છે. મોટાભાગે એર ઈન્ડિયા નાનાકદના અને જૂના થયેલા વિમાનો એલાયન્સ એરના નામે નાના શહેરોમાં ચલાવે છે.

કેન્દ્રમાં સરકાર બદલાયા પછી સુરતવાસીઓને વધુ એર કનેક્ટિવિટી મળવાની આશા હતી. લોકસભાની ગત ચૂંટણીમાં સુરતમાં ભાજપે એર કનેક્ટિવિટીના મામલે કેન્દ્રની યુપીએ સરકારના અન્યાયને એક મુદ્દો બનાવ્યો હતો. ખુદ તે વખતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાઓમાં આમુદ્દે યુપીએ સરકારની ટીકા કરતા હતા.

અત્યારે એર ઈન્ડિયાની એર બસના સ્થાને સપ્તાહમાં છ દિવસ દિલ્હી-સુરત વચ્ચે ૭૦ બેઠકનું નાનું વિમાન ઉપયોગમાં લેવાય છે. ક્યારેક તેના સ્થાને બાવન બેઠકોનું વિમાન પણ હોય છે.

જ્યારે બીજી તરફ વડોદરા-દિલ્હી વચ્ચે એર ઈન્ડિયા દરરોજ ૧૭૦ બેઠકો ધરાવતા વિમાનમાં ૫૦-૬૦ ટકા પ્રવાસી મેળવે છે. આટલા પ્રવાસીઓ સુરતથી ૭૦ બેઠકોની ફ્લાઇટમાં મળે છે. અને તે પણ વડોદરા-દિલ્હી, અમદાવાદ-દિલ્હી ફ્લાઈટના ભાડા કરતા સુરત-દિલ્હીનું ભાડું બમણું હોવા છતાં.

એર ઇન્ડિયાએ બેંગલોર સ્થિત એવિએશન ઇન્સ્ટિટ્યૂટ પાસે કરાવેલો સર્વે ચોંકાવનારો છે. વર્ષ ૨૦૧૨-૧૩માં તત્કાલિન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અજીતસિંહે લોકસભામાં આ રિપોર્ટ પરની ચર્ચામાં જણાવ્યું હતું કે કંપની દ્વારા એરકનેક્ટીવીટી યથાવત રાખવાનું માપદંડ એ છે કે એવિએશન કિલોમીટરે એક પ્રવાસી દીઠ રૂ. ૩.૫૦ મળવા જોઈએ. પણ વડોદરા-દિલ્હી ફ્લાઇટમાં એર ઇન્ડિયાને માત્ર રૂ. ૧.૭ મળે છે જ્યારે સુરત-દિલ્હી ફ્લાઇટમાં એર ઇન્ડિયાને પ્રવાસી દીઠ એવિએશન કિલોમીટરે રૂ. ૬ છે. એટલે કે વડોદરા-દિલ્હીની ફ્લાઇટ કરોડો રૂપિયાનું નુકસાન કરે છે છતાં ત્યાં એરબસ ૩૧૯ ચાલે છે અને સુરત માટે ૭૨ બેઠકોનું નાનું વિમાન ચલાવે છે. ‘વી વોન્ટ વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રૂપના એક સભ્યએ આર.ટી.આઈ. એક્ટ હેઠળ એર ઇન્ડિયા પાસે જે માહિતી મેળવી છે તે ચોંકાવનારી છે.’

આંદોલન છતાં પરિણામ નહીં

એર કનેકટીવીટી આપવાના મુદ્દે કેન્દ્ર સરકારના અન્યાયનો મામલો ઉપાડી સુરત એરપોર્ટ પર વિમાન રોકો આંદોલન કર્યાને ચાર વર્ષ પૂરા થવા છતાં સુરતથી એર કનેક્ટીવીટી વધવાને બદલે ઘટી છે. એર ઇન્ડિયાની મોટા વિમાનની સેવા બંધ થઈ છે. તેને સ્થાને સપ્તાહમાં છ વાર ૭૨ બેઠકના વિમાનની સેવા ચાલે છે. સ્પાઇસ જેટની દિલ્હી- સુરત-બેંગલોરની ફ્લાઇટ બંધ થઈ ગઈ છે. આ ઉપરાંત સુરત-દિલ્હી-કોલકાતાની ફ્લાઇટ બંધ થઈ છે.

સુરતના સાંસદો દર્શનાબેન જરદોશ અને સી. આર. પાટીલ સહિતના અગ્રણીઓ રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાન સૌરભ પટેલને સાથે રાખી કેન્દ્રના પ્રધાનને રજૂઆત કરી ચૂક્યા છે. આ પછી પણ બે-ત્રણ વાર રજૂઆત કરવા છતાં કોઈ ચોક્કસ બાંહેધરી મળી નહોતી. આથી વિશેષ સાંસદોએ સુરત એરપોર્ટથી એરકનેક્ટીવીટી વધારવા તથા એર ઇન્ડિયાની એરબસ કક્ષાની ફ્લાઇટ શરૂ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હોવા છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી.




to the free, weekly Gujarat Samachar email newsletter