અમદાવાદઃ વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસ ૨૭મી ઓક્ટોબરે ગુજરાતમાં એક દિવસ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવશે. ત્યાં તેઓ ભારતીય સિવિલ સર્વિસિસના આઈએએસ, આઈએફએસ, આઈપીએસ, આઈઆરએસ એમ તમામ ક્ષેત્રના પ્રોબેશનરી અધિકારીઓ સાથે વિચાર-વિમર્શમાં ભાગ લેશે. કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ-ડીઓપીટી દ્વારા પ્રોબેશનર્સની તાલીમ માટે યોજાનારા આ કાર્યક્રમમાં, ‘ભારતને ૨૦૨૪ સુધીમાં પાંચ-ટ્રિલિયન અમેરિકી ડોલરનું અર્થતંત્ર કઈ રીતે બનાવી શકાય’ એ વિષય ઉપર ચર્ચા થવાની છે, જેમાં કેન્દ્ર સરકારના ટોચના સેક્રેટરીઓ પણ ભાગ લેવાના છે. વર્લ્ડ બેંક પ્રેસિડેન્ટ આ વાર્તાલાપ કાર્યક્રમમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં ભારત સામેના પડકારો તથા જરૂરી સુધારા અંગે પોતાના વિચારો રજૂ કરે તેવું સમજાય છે. ભારતીય સિવિલ સર્વિસિસની નવી પેઢીને અર્થતંત્ર સામેના પડકારો ઝીલવા અંગે પ્રોત્સાહિત કરવા ‘પાંચ-ટ્રિલિયન ઇકોનોમી’ વિષય પસંદ કરાયો છે. ડેવિડ માલપાસ માત્ર ૨૭મી ઓક્ટોબરના જ કાર્યક્રમમાં હાજર રહેશે