વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રીજના નિર્માણમાં હજીરાનો ફાળો

Tuesday 06th October 2015 07:31 EDT
 

સુરતઃ સ્ટીલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા મહત્ત્વના કાચા માલ આયર્ન ઓરની ખાણો ગુજરાતમાં નથી. આમ છતાં પણ ગુજરાતમાં ઉત્પાદિત સ્ટીલ પ્લેટ્સ જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી પર નિર્માણ પામનારા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રીજ માટે ઉપયોગમાં લેવાશે. ૩૫૯ મીટરની ઊંચાઈ ધરાવનારા આ અનોખા આયર્ન બ્રીજ માટેની હાઈ ટેન્સાઈલ સ્ટીલ પ્લેટ્સનું ઉત્પાદન એસ્સાર સ્ટીલ ઈન્ડિયા દ્વારા સુરત નજીકના હજીરા ખાતેના એકમ દ્વારા થશે. કંપનીને આ પ્રોજેક્ટ માટે ૫૦૦ ટન સ્ટીલ પ્લેટ્સ પૂરી પાડવાનો ઓર્ડર મળ્યો છે અને ત્યાં સ્ટીલ પ્લેટ્સ પહોંચાડવાનું પણ ગત સપ્તાહે શરૂ થયું છે.

એસ્સાર સ્ટીલ હજીરામાં અદ્યતન પ્લેટ મીલ ધરાવે છે, જેમાં ઉચ્ચ સ્તરના ઉપયોગ માટે સ્ટીલ પ્લેટ્સનું ઉત્પાદન થાય છે. ચીનના ગુઈઝોઉ પ્રોવિન્સમાં બેઈપાનજીયાંગ નદી પર આવેલા ૨૭૫ મીટર ઊંચો બ્રીજ અત્યારે વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રીજ ગણાય છે. જમ્મુ-કાશ્મીરમાં રેસી જિલ્લામાં બકલા અને કોરી વિસ્તાર વચ્ચે નિર્માણ થનારો ૧૩૧૫ મીટર લાંબો આ કમાન આકારનો બ્રીજ બાંધવાની કામગીરી ૨૦૧૮ સુધીમાં પૂર્ણ થશે એટલે તેને આ સ્થાન મળશે. આ બ્રીજ એફીલ ટાવર (૩૨૪ મીટર) કરતાં ૩૫ મીટર ઊંચો હશે. આ બ્રીજની કમાન ૪૬૭ મીટર વિસ્તારને આવરી લેશે.

નવસારીમાં આતશ બહેરામની ૨૫૦ વર્ષની ઉજવણીઃ નવસારીમાં આતશ બહેરામ અને વડીદરે મહેર ટ્રસ્ટ ફંડ ભગર કમિટી દ્વારા સંયુકત રીતે નવસારી પાક આતશ બહેરામ પાદશાહ સાહેબનાં ૨૫૦માં વર્ષની ૩ ઓક્ટોબરે ઉજવણી થઇ હતી. આ પ્રસંગે અંદાજે ચાર હજાર પારસીઓ ઊમટયા હતા, જેમાં મુંબઈ, ઉદવાડા સહિત અનેક સ્થળોએથી પારસીઓ આવ્યા હતાં. આ ખાસ કાર્યક્રમમાં પારસી સમાજના વડા દસ્તુરજીઓ પધાર્યા હતાં. નવસારીનાં વડા દસ્તુરજી કેખશરૂ નવરોજી દસ્તુર મહેરજી રાણાના વડપણમાં વડા દસ્તુરજી ડો.ફિરોઝ મહેરજી કોટવાલે જશાતની પવિત્ર ક્રિયા માંડી હતી. જેમાં તમામ વડા દસ્તુરજી સાહેબો અને મોબેદ સાહેબો સામેલ થયા હતાં.

વિધાનસભાના ઉપદંડકને સ્વાઈન ફ્લુઃ ચેપી રોગ સ્વાઇન ફ્લુની ઝપટમાં વિધાનસભાના ઉપદંડક અને સુરતના ધારાસભ્ય અજય ચોક્સી પણ આવી ગયા છે. તેમને ગત સપ્તાહે શરદી-ખાંસીની ફરિયાદને પગલે સ્વાઇન ફ્લુની આશંકા સાથે સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા હતા. તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતા પાલિકાના આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે. આ ઉપરાંત સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનાં પત્નીને પણ ડેન્ગ્યુ થયો હોવાનું બહાર આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter