ઉમરગામઃ તાલુકાના સોલસુંબાની બેંક ઓફ બરોડાની શાખાથી વીજ કંપનીના ૧.૫૭,૧૧,૮૮૬ જેટલી રકમ શરત ચૂકથી મોહનલાલ ગોપાલજી વર્માના ખાતામાં જમા થતાં તેમણે વાપરી નાંખતા ચીફ મેનેજરે ફરિયાદ નોંધાવી છે. સાંઈ કન્સ્ટ્રકશન પ્રોપ્રાઈટર મોહનલાલ ગોપાજી વર્માનું કરંટ એકાઉન્ટ બેંક ઓફ બરોડા ઉમરગામ ટાઉનની શાખામાં છે. જેનો નં. ૦૨૫૨૦૨૦૦૦૦૦૭૪૮ છે. જ્યારે ૧૭મી ઓક્ટોબર, ૨૦૧૫થી ૨૪મી ઓગસ્ટ, ૨૦૧૬ સુધીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સોળસુંબા શાખાના કરંટ ખાતા નં. ૦૨૫૦૦૨૦૦૦૦૦૦૭૪૮માં કુલ રૂપિયા ૧,૫૭,૧૧,૮૮૬ જમા થવાને બદલે શરત ચૂકથી મોહનલાલ વર્માના ખાતામાં જમા થઈ ગયા હતા. આ રકમ પોતાની નથી તે જાણવા છતાં મોહનલાલે ખાતામાંથી અલગ અલગ તારીખે ઉપાડી લીધી ને પોતાના અંગત ખર્ચ માટે વાપરી નાંખી હતી. આ બાબતે અગાઉ બેંક અધિકારીઓ દ્વારા મોહનલાલ વર્માનો સંપર્ક કરાયો ત્યારે તેણે ઉપરોક્ત રકમ પોતાની નહોવાથી મૌખિક કબૂલાત પણ કરી હતી. બેંક અધિકારીઓ દ્વારા સમજાવટ પછી મોહનલાલે ધીરે ધીરે રૂ. ૧૩,૧૯,૩૨૯ બેંકમાં જમા કરાવ્યા, પણ બાકીની રકમ માટે ઉડાઉ જવાબ આપ્યા હતા.