વૃદ્ધાએ રૂ. ૨૧ હજારનું પેન્શન મૃત કોન્સ્ટેબલના પરિવારને આપ્યું

Wednesday 02nd September 2015 08:03 EDT
 

સુરતઃ વર્ષ ૧૯૪૨માં ‘આઝાદ હિન્દ’ની ચળવળ વખતે મહાત્મા ગાંધી સાથે સાબરમતી જેલમાં રહેલા સુરતના એક સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારે ફરીથી દેશદાઝ સાબિત કરી છે.
સુરતમાં પાટીદાર આંદોલન વેળા તોફાનીઓ દ્વારા જેની હત્યા થઈ હતી તે પ્રોબેશનર પોલીસ કોન્સ્ટેબલ દિલીપ રાઠવાના પરિવારને આર્થિક મદદ માટે એક સ્વાતંત્ર્ય સેનાનીની વિધવા ધનુબેન નરોત્તમભાઇ પટેલ પ્રથમ આગળ આવ્યા હતા. મોટીવેડ ગામનાં ૮૭ વર્ષનાં વૃદ્ધાએ પોતાના પતિનું આવતું એક મહિનાનું પેન્શન મૃતક પોલીસના પરિવારને આપવાની વાત કરતાં ખુદ પોલીસ કમિશ્નર તેમના ઘરે પહોંચી શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.
અમદાવાદમાં પાટીદાર રેલી બાદ ફાટી નીકળેલા હિંસક તોફાનો દરમિયાન સુરતના વેડ ડભોલી વિસતારમાં તોફાની ટોળાએ હુમલો કરતા મોતને ભટેલે પોલીસ કોન્સ્ટેબલ દિલીપ રાઠવાને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય અપાઇ હતી. અને પોલીસ તંત્રએ સાંત્વના સાથે આર્થિક સહાય પણ કરતા ગરીબ પરિવારને આધાર મળ્યો છે.

લાંચ લેનારા બે ન્યાયાધિશ સસ્પેન્ડઃ  છેલ્લા ઘણા સમયથી વાપીની કોર્ટમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાની ફરિયાદ થતી હતી. આવી ફરિયાદ  ગુજરાત હાઈ કોર્ટ સુધી પહોંચતા વાપીના તત્કાલીન બે ન્યાયાધિશ અને બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  ન્યાયાધિશો દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાની વિડીયો ક્લિપીંગ અને અરજીઓ હાઈ કોર્ટમાં પહોંચી હતી. આ પૂરાવાને આધારે તપાસમાં સાચીવાત સામે આવી હતી. જેમાં વાપીના તત્કાલીન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.ડી. આચાર્ય અને પી.ડી. ઈનામદાર કેટલાક વકીલો પાસેથી લાંચની માંગણી અને લાંચ સ્વીકારતા વિડીયોમાં દેખાતા હાઈકોર્ટના વિજીલન્સ સેલ દ્વારા ૨૬ જુલાઈએ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં બે ન્યાયાધિશ સહિત વાપી કોર્ટના  ક્લાર્ક બાલક્રિષ્ન પ્રજાપતિ, સ્ટેનોગ્રાફર શ્રીમાળી, સરકારી વકીલ બી.વી.રાઠોડ તથા અન્ય સાત વકીલ મળી કુલ ૧૨ આરોપીઓ વિરુદ્ધ લાંચ રૂશ્વત વિરોધી કાયદાની કલમ મુજબ ગુનો દાખલ થયો છે. 

પરિવારના છ સભ્યો સુંવાલીના દરિયામાં ગરકાવઃ હજીરા ખાતેનો સુંવાલીના દરિયો ફરીથી ગોઝારો સાબિત થયો હતો. રાજસ્થાન અને બનાસકાંઠાથી રક્ષાબંધન નિમિત્તે મોરાગામમાં રહેતા ભાઈઓના ઘરે આવેલી બે બહેનો તેમના પરિવાર સાથે સુંવાલી દરિયા કિનારે આવતા તેઓ દરિયામાં ગરકાવ થઇ ગયા હતા. બે ભાઈઓ સાથે દરિયામાં ગયા બાદ ચારેય બાજુથી પાણી ફરી વળતા રાજસ્થાની પરિવારમાં ૧૨ જણા ફસાયા હતા. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતાને પગલે બંને ભાઈઓ સહિત છ જણાને બચાવી લેવાયા હતા. જ્યારે પાણીમાં પડેલી છમાંથી એક મહિલાની લાશ મળી હતી. આ ઉપરાંત ત્રણ બાળકો સહિત પાંચ લોકોની ફાયરબ્રિગેડે શોધખોળ હાથ ધરી હતી.

કાવી-કંબોઈનો રૂ. ૧૦ કરોડના ખર્ચે વિકાસ કરાશેઃ જંબુસર તાલુકાના કાવી-કંબોઈના ધાર્મિક સ્થાનોને રૂ. ૧૦ કરોડના ખર્ચે પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું સરકારે આયોજન કર્યું છે. અહીંના જાણીતા સ્તંભેશ્વર મહાદેવના દર્શને આવતાં શ્રદ્ધાળુઓને વધુ સારી સવલતો મળી રહે તે માટે વહીવટીતંત્ર તરફથી પ્રયાસો શરૂ થયા છે. કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે દરિયામાં જ્યારે ભરતી આવે છે ત્યારે શિવલિંગ પાણીમાં ડુબી જાય છે અને જ્યારે ભરતીનું પાણી ઓસરી જાય ત્યારે શિવલિંગ ફરીથી દૃશ્યમાન થાય છે. આથી સમુદ્ર દ્વારા શિવજીનો સીધો અભિષેક થતો હોય તેવું દૃશ્ય કંબોઈ ખાતે જોવા મળે છે.

ડાંગમાં પ્રવાસન સ્થળોનો વિકાસ થશેઃ પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રવાસીઓમાં જાણીતા ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોનો તબક્કાવાર વિકાસ કરવા વહિવટીતંત્રે આયોજન કરી રહ્યું છે.  તેને વધુ લોકભોગ્ય બનાવવાનું મનોમંથન ડાંગ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગિરિમથક સાપુતારા સહિતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને અનુરૂપ સુવિધાઓ ઊભી કરવા તાજેતરમાં અહીં ડાંગ જિલ્લા પ્રવાસન સમિતિની  બેઠક મલી હતી. જેમાં કલેક્ટર આદ્રા અગ્રવાલે ઉપસ્થિત વિવિધ પ્રતિનિધિઓને સૂચવેલા પ્રવાસન સ્થળોનો સંપૂર્ણ અભ્યાસ કરીને સત્વરે તેનો અહેવાલ સુપરત કરવા જણાવ્યું હતું. જ્યારે સાપુતારા ખાતે નિર્માણાધીન રેકડી બજારની ડિઝાઈનમાં થયેલા ફેરફારો વગેરેને ધ્યાને લઈને તાત્કાલિક આ કામને પૂર્ણ કરવા પણ પ્રવાસન નિગમને સૂચના આપી હતી. અહીં વીજ પૂરવઠો સતત મળી રહે તે માટે કાર્યવાહી કરવા વીજ તંત્રને સૂચના આપી હતી. સાપુતારા અને નવાગામની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે હયાત તળાવને ઊંડુ કરવા અને નવા તળાવના કામ અંગે સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો મેળવી કલેક્ટરે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો જેવા કે ડોન, વઘઈનો ગીરાધોધ, ગીરમાળ (શિંગાણા)નો ગીરમાળ ધોધ, ચનખલ વિલેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વગેરેના વિકાસની શક્યતાઓ માટેની ચર્ચા થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter